ઝાલોદમાં જર્જરીત આંગણવાડીઓ મુદ્દે AAP નેતા અનિલભાઈ ગરાસિયાની ઓચિંતી મુલાકાત: પાયાની સુવિધાઓના અભાવે ઉઠાવ્યા સવાલો

ઝાલોદ વિધાનસભાના પ્રભારી અને આમ આદમી પાર્ટીના નેતા અનિલભાઈ ગરાસિયા દ્વારા ઝાલોદ નગરપાલિકા વિસ્તારમાં ચાલતી વિવિધ આંગણવાડીઓની ઓચિંતી મુલાકાત લેવામાં આવી હતી. તેમણે રાયનફળિયા, કાકરાડુંગરા, કોળીવાસ અને ઝાલોદ ટીમ-૧ ઘટક હેઠળની આંગણવાડીઓની સ્થળ પર જઈને ચકાસણી કરી હતી.

સ્થળ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ તમામ આંગણવાડીઓનાં મૂળ બાંધકામ અત્યંત જર્જરીત હાલતમાં હોવાના કારણે આશરે છેલ્લા ત્રણેક વર્ષથી આંગણવાડીઓ ભાડાના મકાનમાં ચલાવવામાં આવી રહી છે. સરકારી બેદરકારીના કારણે અહીં આવતા નાના બાળકોને બેસવા માટે ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત, મકાનની યોગ્ય સુવિધા ન હોવાથી બાળકો શૌચાલય અને પીવાના પાણી જેવી પ્રાથમિક સવલતોથી પણ વંચિત રહી જાય છે.

અનિલભાઈ ગરાસિયાએ જણાવ્યું હતું કે ઝાલોદ વિધાનસભા મત વિસ્તારમાં ૫૦% કરતાં પણ વધુ આંગણવાડીઓ આવી જર્જરીત સ્થિતિમાં છે. સરકાર દ્વારા સર્વે અને ટેન્ડરિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવા છતાં મકાનોનું કામ શરૂ કરવામાં અગમ્ય કારણોસર વિલંબ કરવામાં આવી રહ્યો છે.
તેમણે સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, "સરકાર મોટો દાવો કરે છે પરંતુ વાસ્તવિકતામાં બાળકો માટેની પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડવામાં નિષ્ફળ નીવડી રહી છે." તેમણે ત્વરિત ધોરણે આંગણવાડીના નવા ઓરડાઓનું બાંધકામ પૂર્ણ કરવા તેમજ આંગણવાડી બહેનોના લાંબા સમયથી પડતર પ્રશ્નોનું નિવારણ લાવવા કડક માગ કરી છે.

અંતમાં તેમણે ચેતવણી આપી હતી કે જો આ ગંભીર સમસ્યાઓનું વહેલી તકે ઉકેલ લાવવામાં નહીં આવે, તો આમ આદમી પાર્ટી તમામ મુદ્દાઓને લઈને આગળ રજૂઆત કરશે અને ગાંધીચિંધ્યા માર્ગે ધરણાં પ્રદર્શન કરશે.

Post a Comment

0 Comments