ઓલપાડના કૂટણખાના કેસમાં હાઈકોર્ટનો મોટો ચુકાદો! CTN Gujarat |High Court Orders

Follow Us

સ્પામાં ગ્રાહક પકડાયો… પોલીસ કેસમાં ફસાવ્યો, હાઈકોર્ટે કહ્યું...

ઓલપાડ પોલીસની કાર્યવાહી સામે હાઈકોર્ટનો કડક સંદેશઃ ગ્રાહકને પિમ્પ કે કૂટણખાનું ચલાવનાર ગણાવી શકાય નહીં

અમદાવાદ | લીગલ રિપોર્ટર

સ્પા કે કૂટણખાના પર દરોડો પડે એટલે ત્યાં હાજર દરેક વ્યક્તિને આરોપી બનાવી દેવી—કાયદો કદાચ આટલો સરળ નથી! ઓલપાડ પોલીસ મથકમાં નોંધાયેલા એક કેસમાં ગુજરાત હાઈકોર્ટે ફરિયાદ અને ચાર્જશીટ રદ કરીને કાયદાની જોગવાઈઓનો ઉપયોગ કેવી રીતે કરવો તેની સ્પષ્ટતા કરી છે.

20 ડિસેમ્બર 2025ના રોજ ઓલપાડ પોલીસે એક કૂટણખાના પર દરોડો પાડ્યો હતો. કાર્યવાહી દરમિયાન સજ્જન ઝા નામની વ્યક્તિને ગ્રાહક તરીકે દર્શાવી અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ તેની સામે સંબંધિત કાયદાની કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.

પરંતુ મામલો હાઈકોર્ટ પહોંચતા સવાલ સીધો હતો—ગ્રાહકને પિમ્પ, દલાલ કે કૂટણખાનું ચલાવનાર બનાવીને કેસ કેવી રીતે ચલાવી શકાય?

અરજદાર તરફથી દલીલ કરવામાં આવી હતી કે ગ્રાહક માત્ર સેવા લેવા માટે નાણાં ચૂકવનાર વ્યક્તિ છે. તે વેશ્યાવૃત્તિ કરાવનાર, પિમ્પ કે દલાલ હોવાના કારણે આપમેળે ગુનેગાર બની જતો નથી.

હાઈકોર્ટે કાયદાકીય જોગવાઈઓનું વિશ્લેષણ કર્યા બાદ નોંધ્યું કે માત્ર ગ્રાહક તરીકે કૂટણખાનામાં હાજર હોવાના આધારે ઈમ્મોરલ ટ્રાફિકિંગ (પ્રિવેન્શન) એક્ટની કલમ 3 હેઠળ કૂટણખાનું ચલાવવાનો ગુનો લાગુ કરી શકાય નહીં.

અર્થાત્, દરોડામાં જે હાથ લાગ્યો તેને આરોપી બનાવી દો—આ ફોર્મ્યુલા કોર્ટમાં ચાલે એવું જરૂરી નથી!

હાઈકોર્ટે વધુમાં સ્પષ્ટ કર્યું કે માનવ તસ્કરી સંબંધિત જોગવાઈઓ પણ માત્ર ગ્રાહક તરીકે હાજર વ્યક્તિ સામે લાગુ કરી શકાય નહીં, જો તેની સામે ગુનામાં જરૂરી ભૂમિકા દર્શાવતું કાયદેસર આધાર ન હોય.

આ કેસમાં હાઈકોર્ટે ઓલપાડ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ, ત્યારબાદની ચાર્જશીટ તથા નીચલી કોર્ટની સંબંધિત કાર્યવાહી રદ કરવાનો આદેશ આપ્યો છે.

કાયદાનો સંદેશ સ્પષ્ટ

આ ચુકાદો પોલીસ માટે પણ એક મહત્વપૂર્ણ કાનૂની યાદ અપાવણો છે—દરોડો પાડવો એક બાબત છે અને કાયદાની યોગ્ય કલમ હેઠળ ગુનો સાબિત કરવો બીજી બાબત.

કોઈ વ્યક્તિ સ્થળ પર ગ્રાહક તરીકે મળી આવે એટલે તેના પર ગંભીર કલમો લગાવી દેવા કરતાં તેની ચોક્કસ ભૂમિકા, કાયદાકીય તત્ત્વો અને ઉપલબ્ધ પુરાવા તપાસવા જરૂરી છે.

કાયદો કહે છે—“પકડાયો એટલે ગુનેગાર” નહીં, પરંતુ “ગુનો સાબિત થાય તો જ ગુનેગાર.”

ઓલપાડના આ કેસમાં હાઈકોર્ટનો ચુકાદો એ જ મૂળભૂત સિદ્ધાંતને ફરી એકવાર રેખાંકિત કરે છે.

Post a Comment

0 Comments