કર્ણાટકમાં વૃદ્ધા સાથે કરોડોની છેતરપીંડી બાદ સુરતમાં છુપાયો હતો આરોપી, રહેઠાણ અને સિમકાર્ડ બદલતો રહ્યો — ક્રાઇમ બ્રાંચનો મોટો પ્રહાર

CTN ગુજરાત | સુરત
સાયબર ગુનાખોરી સામે સુરત શહેર ક્રાઇમ બ્રાંચને મોટી સફળતા મળી છે. સીબીઆઈના નકલી અધિકારીનો ઢોંગ રચી 90 વર્ષીય સિનિયર સિટીઝન મહિલાને “ડિજિટલ અરેસ્ટ”ની જાળમાં ફસાવી રૂપિયા 1 કરોડ 34 લાખની સાયબર છેતરપીંડી કરનાર મુખ્ય આરોપીને સુરત શહેર ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યો છે.
માહિતી મુજબ, કર્ણાટક રાજ્યના કોલાર વિસ્તારમાં નોંધાયેલા આ હાઈ-પ્રોફાઈલ સાયબર ફ્રોડ કેસમાં આરોપીઓએ સરકારી અધિકારીઓ તરીકે પોતાને રજૂ કરી વૃદ્ધ મહિલાને માનસિક દબાણ હેઠળ રાખી કરોડોની રકમ ટ્રાન્સફર કરાવી હતી.
તપાસ દરમિયાન સામે આવ્યું કે કેસનો મુખ્ય આરોપી જીગ્નેશ ઉર્ફે જીગો મીસ્ત્રી ધીરજલાલ વઘાડીયા સુરત શહેરમાં રહેતો હતો. આરોપી પોલીસથી બચવા માટે વારંવાર પોતાનું રહેઠાણ અને મોબાઇલ સિમકાર્ડ બદલતો હોવાનું પણ બહાર આવ્યું હતું.
સુરત પોલીસ કમિશ્નરના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાંચની નાસતા-ફરતા સ્કોડે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે આરોપીને અમરોલીના ન્યૂ કોસાડ રોડ વિસ્તારેથી ઝડપી પાડ્યો હતો.
હાલ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તેને આગળની તપાસ માટે કર્ણાટકના કોલાર સાયબર ક્રાઇમ પોલીસને સોંપવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.
શું છે “ડિજિટલ અરેસ્ટ”નો ખતરનાક ખેલ?
સાયબર ઠગો પોલીસ, CBI, ED અથવા અન્ય સરકારી અધિકારી બની વીડિયો કોલ મારફતે લોકોને ડરાવી-ધમકાવી નાણાં ટ્રાન્સફર કરાવે છે. છેલ્લા કેટલાક સમયમાં આવા ગુનાઓમાં ભારે વધારો નોંધાયો છે.
પોલીસની અપીલ:
કોઈપણ અજાણ્યા વીડિયો કોલ, નકલી સરકારી ઓળખ અથવા પૈસાની માંગણી સામે સાવધાન રહો અને તરત સાયબર હેલ્પલાઇન અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો.

0 Comments