સુરત બ્રેકિંગ: પરિવારનો પોલીસ કમિશનર કચેરીએ ધાવો, પરણીતા દ્વારા ત્રાસ આપ્યાનો આક્ષેપ
સુરત શહેરમાં એક પરિવાર પોતાની ફરિયાદ લઈને પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યો હતો. પરિવારના જણાવ્યા અનુસાર, પુત્રવધૂ દ્વારા સતત ઘરમાં ઝઘડા, ગાળાગાળી અને રૂપિયા માટે દબાણ કરવામાં આવતું હતું, જેના કારણે આખો પરિવાર માનસિક રીતે પરેશાન થઈ ગયો છે.
પરિવારનો આક્ષેપ છે કે તેમના પુત્રના લગ્ન “લાઈફ લાઇન ચેરીટેબલ ટ્રસ્ટ” મારફતે કરાવવામાં આવ્યા હતા અને આ માટે સંસ્થાને રૂ. 3 લાખ ચૂકવવામાં આવ્યા હતા. લગ્ન સમયે સંસ્થાએ મહિલાના આ બીજા લગ્ન હોવાનું જણાવી આગામી 15 વર્ષ સુધી જવાબદારી લેવાની વાત કરી હતી. જોકે બાદમાં પરિવારને જાણવા મળ્યું કે મહિલાના આ સાતમા લગ્ન હોવાનું કહેવાઈ રહ્યું છે.
પરિવારના જણાવ્યા મુજબ, લગ્ન જીવન દરમિયાન એક દીકરાનો જન્મ થયો હતો, પરંતુ ત્યારબાદ મહિલાએ રૂપિયા બાબતે રોજિંદા ઝઘડા શરૂ કર્યા હતા. પરિવાર કંટાળી જતા મહિલા પોતાના પિયર જતી રહી હતી, પરંતુ બાદમાં મધરાતથી વહેલી સવારે ગમે ત્યારે સોસાયટીમાં આવી હોબાળો મચાવતી હોવાનું પરિવારનું કહેવું છે.
પરિવારનો આક્ષેપ છે કે અનેકવાર પોલીસને બોલાવવામાં આવી હતી, છતાં પોલીસ સ્ટેશનમાં પણ મહિલા પોલીસ કર્મચારીઓની હાજરીમાં ગાળાગાળી અને હોબાળો કરતી હતી. પરિવારનું કહેવું છે કે મહિલા માત્ર રૂપિયા આપતા શાંત રહેતી હતી અને રૂપિયા ન મળતા ફરી ઝઘડા કરતી હતી.
આ ઉપરાંત પરિવારે એવો પણ આક્ષેપ કર્યો છે કે મહિલાએ પોતાના પતિ અને સાસુ સાથે મારામારી કરી હતી અને એક પ્રસંગે સોસાયટીમાં આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો. મહિલાના ત્રાસથી કંટાળીને પરિવારે પોતાના ઘર અને આસપાસ સીસીટીવી કેમેરા લગાવ્યા હોવાનું પણ જણાવ્યું છે.
પરિવારનો દાવો છે કે સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવા હોવા છતાં પોલીસ તેમની ફરિયાદ નોંધતી નથી. જેના પગલે પરિવાર ન્યાયની માંગ સાથે પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યો હતો. હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.


0 Comments