નવી દિલ્હી: વર્ષોથી "એનર્જી ડ્રીંક"ના નામે વેચાતા અનેક લોકપ્રિય બેવરેજ બ્રાન્ડ્સ સામે હવે FSSAI (Food Safety and Standards Authority of India) એ કડક વલણ અપનાવ્યું છે. સ્ટિંગ, રેડ બુલ, મોન્સ્ટર, કેમ્પા અને હેલ સહિત કેટલીક કંપનીઓને Misbranding અને Misleading Claims અંગે નોટિસ ફટકારવામાં આવી છે.
FSSAIએ પોતાના સ્પષ્ટ નિવેદનમાં જણાવ્યું છે કે ભારતમાં હાલમાં "Energy Drink" નામની કોઈ સત્તાવાર ફૂડ સ્ટાન્ડર્ડ કેટેગરી જ નક્કી કરવામાં આવી નથી. એટલે કે માત્ર માર્કેટિંગ માટે કોઈપણ પીણાને "એનર્જી ડ્રીંક" તરીકે રજૂ કરવું નિયમો સાથે સુસંગત નથી.
અથોરિટીએ વધુમાં સ્પષ્ટ કર્યું છે કે ઊર્જા વધારવી, નબળાઈ દૂર કરવી અથવા શરીર પર ખાસ અસર કરે છે જેવા દાવાઓ સામાન્ય ફૂડ પ્રોડક્ટ્સ માટે Food Safety and Standards Act, 2006 હેઠળ મંજૂર નથી.
વર્ષોથી શું વેચાતું હતું—પીણું કે દાવો?
વર્ષોથી ટીવી જાહેરાતો, સોશિયલ મીડિયા અને દુકાનોમાં "એનર્જી ડ્રીંક" તરીકે પ્રચાર થતા આ ઉત્પાદનો હવે સવાલોના ઘેરામાં છે. જો "એનર્જી ડ્રીંક" માટે કોઈ સત્તાવાર ધોરણ જ નથી, તો ગ્રાહકોને આ રીતે રજૂઆત કેમ કરવામાં આવી? શું ગ્રાહકોને ગેરમાર્ગે દોરતા દાવાઓ પર હવે અસરકારક નિયંત્રણ આવશે?
હવે ચર્ચાનો મુદ્દો
FSSAIની કાર્યવાહી બાદ એક ચર્ચા ગરમાઈ છે—જો આવા દાવા નિયમો મુજબ માન્ય નહોતા, તો વર્ષોથી આવા લેબલ અને માર્કેટિંગ કેવી રીતે ચાલતા રહ્યા? શું હવે માત્ર નોટિસ પૂરતી રહેશે કે ગ્રાહકોના હિતમાં વધુ કડક કાર્યવાહી પણ થશે?
હાલમાં સંબંધિત કંપનીઓ તરફથી આ નોટિસ અંગે સત્તાવાર પ્રતિસાદની રાહ જોવામાં આવી રહી છે.
તમારું શું માનવું છે? ગ્રાહકોને વર્ષોથી ગેરમાર્ગે દોરવામાં આવ્યા કે પછી હવે નિયમોના અમલમાં કડકાઈ આવી છે? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવો.
0 Comments