હિંમતનગર-ખેડબ્રહ્મા રેલવે લાઈન માટે DRUCC બેઠકમાં મોટી રજૂઆત, જાદર-વડાલી સ્ટોપેજ સહિત નવી ટ્રેનોની માંગ
સાબરકાંઠા: હિંમતનગર-ખેડબ્રહ્મા રેલવે લાઈન પર મુસાફરોને વધુ સુવિધા મળે તે માટે પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળની પાંચમી ડી.આર.યુ.સી.સી (DRUCC) બેઠકમાં અનેક મહત્વપૂર્ણ માંગણીઓ રજૂ કરવામાં આવી હતી. બેઠક દરમિયાન ડીઆરયુસીસી મેમ્બર મોહનભાઈ પટેલે જાદર અને વડાલી સ્ટેશન ખાતે ટ્રેન સ્ટોપેજ, નવી ટ્રેનો શરૂ કરવી તેમજ મેમુ ટ્રેનોની સંખ્યા વધારવા જેવી વિવિધ માંગો રજૂ કરી હતી.
મળતી માહિતી મુજબ, પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળ દ્વારા તારીખ 28 મે 2026ના રોજ અસારવા સ્થિત DRM ભવન ખાતે પાંચમી DRUCC બેઠક યોજાઈ હતી. બેઠકમાં વિવિધ જિલ્લાઓના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માના પ્રતિનિધિ મોહનભાઈ પટેલે હિંમતનગર-ખેડબ્રહ્મા રેલવે લાઈન સંબંધિત અનેક મુદ્દાઓ અધિકારીઓ સમક્ષ ઉઠાવ્યા હતા.
જાદર અને વડાલી સ્ટેશન પર સ્ટોપેજની માંગ
મોહનભાઈ પટેલે રજૂઆતમાં જણાવ્યું હતું કે હિંમતનગર-ખેડબ્રહ્મા રેલવે લાઈન પર આવેલા જાદર અને વડાલી સ્ટેશન પર પ્લેટફોર્મ નાના હોવાને કારણે ટ્રેનોને સ્ટોપેજ આપવામાં મુશ્કેલી પડી રહી છે. આથી બંને સ્ટેશનો પર જરૂરી સુવિધાઓ વધારી મેમુ ટ્રેનનું સ્ટોપેજ શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
આ મુદ્દે DRM અમદાવાદ દ્વારા નજીકના સમયમાં ટેક્નિકલ ખામીઓ દૂર કરીને બંને સ્ટેશનો પર ટ્રેન સ્ટોપેજ અંગે સકારાત્મક કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
ખેડબ્રહ્માથી મુંબઈ, કટરા, હરિદ્વાર અને ભુજ સુધી ટ્રેન શરૂ કરવાની માંગ
બેઠકમાં લાંબા રૂટની ટ્રેનો શરૂ કરવાની માંગ પણ જોરદાર રીતે રજૂ કરવામાં આવી હતી. મોહનભાઈ પટેલે નીચે મુજબની ટ્રેનો શરૂ કરવા રજૂઆત કરી હતી:
- ખેડબ્રહ્મા – મુંબઈ (વાયા અમદાવાદ) ટ્રેન શરૂ કરવી
- ખેડબ્રહ્મા – કટરા (માતા વૈષ્ણોદેવી) સાપ્તાહિક ટ્રેન શરૂ કરવી
- ખેડબ્રહ્મા – હરિદ્વાર/ઋષિકેશ સાપ્તાહિક ટ્રેન દોડાવવી
- ખેડબ્રહ્મા – ભુજ – માતાનો મઢ સાપ્તાહિક ટ્રેન શરૂ કરવી
આ ટ્રેનોને અમદાવાદ – ગોધરા – રતલામ – મથુરા રૂટ મારફતે દોડાવવાની પણ માંગ કરવામાં આવી હતી.
મેમુ ટ્રેનોની સંખ્યા વધારવાની માંગ ઉઠી
હાલમાં ખેડબ્રહ્મા અને અસારવા વચ્ચે સવારે અને સાંજે મેમુ ટ્રેન સેવા શરૂ થઈ ચૂકી છે અને તેને મુસાફરોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને બપોરના સમયમાં વધુ બે મેમુ ટ્રેનો શરૂ કરવામાં આવે તેવી માંગ પણ બેઠકમાં ઉઠાવવામાં આવી હતી.
મોહનભાઈ પટેલે જણાવ્યું હતું કે જો બપોરના સમયમાં વધારાની મેમુ ટ્રેનો શરૂ કરવામાં આવે તો વિસ્તારના મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને મુસાફરીમાં મોટો લાભ મળશે.
સાંસદોને પણ કરાઈ લેખિત રજૂઆત
આ મુદ્દે DRUCC મેમ્બર મોહનભાઈ પટેલે સાબરકાંઠાના લોકસભા સાંસદ શોભના બારૈયા અને રાજ્યસભા સાંસદ રમીલા બારાને રૂબરૂ તેમજ લેખિત રજૂઆત કરી હતી. બંને સાંસદોએ આ રેલવે લાઈન પર વધુ સુવિધાઓ અને ટ્રેનો ઉપલબ્ધ કરાવવા માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ખાતરી આપી હોવાનું જાણવા મળ્યું છે.
હિંમતનગર-ખેડબ્રહ્મા રેલવે લાઈન પર વધતી મુસાફરી અને લોકોની માંગને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં નવી ટ્રેનો અને વધુ સુવિધાઓ શરૂ થાય તેવી આશા સેવાઈ રહી છે.


0 Comments