સરથાણા ઝૂમાં શોકનો માહોલ: પ્રિય સિંહ ‘આર્ય’નું નિધન
સુરત સ્થિત Sarthana Nature Park and Zooમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ૨૦૨૦માં નંદનવન ઝૂ (નવા રાયપુર)થી લાવવામાં આવેલ ૯.૫ વર્ષીય સિંહ ‘આર્ય’નું આજે સવારે અવસાન થયું છે, જેના કારણે સમગ્ર ઝૂ પ્રશાસન અને વન્યજીવ પ્રેમીઓમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, છેલ્લા કેટલાક સમયથી સિંહ આર્ય કિડની ડિસફંકશન જેવી ગંભીર આરોગ્ય સમસ્યાથી પીડાઈ રહ્યો હતો. તા. ૨૯ માર્ચ ૨૦૨૬થી તેની સતત સારવાર ચાલી રહી હતી. નિયમિત તબીબી દેખરેખ છતાં તેના શરીરમાં સીરમ ક્રિએટીનીનનું સ્તર સતત વધી રહ્યું હતું અને છેલ્લા ૮ દિવસથી તેણે ખોરાક પણ બંધ કરી દીધો હતો.
તબીબો દ્વારા તમામ શક્ય સારવાર, જરૂરી ફ્લુઈડ્સ તથા લાઈફ-સેવિંગ દવાઓ આપવામાં આવી હોવા છતાં, કમનસીબે આજે સવારે લગભગ ૬:૦૦ વાગ્યે સિંહ ‘આર્ય’એ અંતિમ શ્વાસ લીધા.
ઉલ્લેખનીય છે કે આર્યને ૨૦૨૦માં Nandanvan Zooમાંથી સુરત લાવવામાં આવ્યો હતો અને ત્યારથી તે સરથાણા ઝૂમાં મુલાકાતીઓમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો.
ઝૂ પ્રશાસન દ્વારા જણાવાયું છે કે સિંહના પોસ્ટમોર્ટમ સહિતની જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવશે અને તેની આરોગ્ય સ્થિતિ સંબંધિત સંપૂર્ણ તપાસ પણ હાથ ધરવામાં આવશે.
‘આર્ય’ના અવસાનથી વન્યજીવ પ્રેમીઓમાં ઊંડો શોક વ્યાપ્યો છે.

0 Comments