વલસાડમાં ખોટા દસ્તાવેજો દ્વારા પાસપોર્ટ કૌભાંડનો ભાંડાફોડ, 4 આરોપીઓ ઝડપાયા

CTN ગુજરાત

વલસાડ જિલ્લામાં ખોટા નામ-સરનામા અને બનાવટી દસ્તાવેજોના આધારે ભારતીય પાસપોર્ટ મેળવવાના ગંભીર ગુન્હામાં એસ.ઓ.જી. પોલીસે મોટી કાર્યવાહી કરી છે. આ મામલે પાસપોર્ટ એજન્ટ સહિત મુખ્ય સુત્રધાર આરોપીઓને ઝડપી પાડી સમગ્ર કાવતરાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વિર સિંહના માર્ગદર્શન હેઠળ અને વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના આદેશ મુજબ બનાવટી દસ્તાવેજોના ગુન્હાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે એસ.ઓ.જી. વલસાડ (કેમ્પ-વાપી)ની ટીમે ગુપ્ત માહિતીના આધારે તપાસ શરૂ કરી હતી.

તપાસ દરમિયાન 20 એપ્રિલ 2026ના રોજ પ્રજ્ઞેશ ઉર્ફે ટાલો પટેલ (ઉ.વ.36) અને ભાવિક પટેલ (ઉ.વ.29), બંને દમણના રહેવાસીઓ, ખોટા જન્મ પ્રમાણપત્ર, આધાર કાર્ડ અને પાન કાર્ડના આધારે સુરત પાસપોર્ટ ઓફિસમાં પાસપોર્ટ મેળવવાની પ્રક્રિયા કરતા ઝડપાયા હતા. આ મામલે વલસાડ ટાઉન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023 તથા પાસપોર્ટ અધિનિયમ 1967 હેઠળ ગુનો નોંધાયો હતો.

આગળની તપાસમાં મુખ્ય સુત્રધાર તરીકે જીતેન્દ્ર ઉર્ફે જીતુ દમણિયા (ઉ.વ.46), જે ટુર એન્ડ ટ્રાવેલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા છે, તેમને 28 એપ્રિલે ધરપકડ કરવામાં આવી હતી. તેમની પૂછપરછ બાદ 29 એપ્રિલે જીજ્ઞેશ ઉર્ફે જેક પટેલ (ઉ.વ.34)ને દમણમાંથી રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમના કબ્જામાંથી લેપટોપ, કલર પ્રિન્ટર, બોન્ડ પેપર અને અન્ય દસ્તાવેજ બનાવવાની સામગ્રી જપ્ત કરવામાં આવી હતી.

પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓએ “UK-21” વિઝાનો લાભ મેળવવા માટે સુનિયોજિત કાવતરું રચ્યું હતું. આ કૌભાંડમાં વોન્ટેડ આરોપી હેમંત જગન (મોટી દમણ) સહિત અન્ય એજન્ટો પણ સંડોવાયેલા હોવાની શક્યતા છે.

હાલમાં પોલીસ દ્વારા આરોપીઓની સઘન પૂછપરછ ચાલી રહી છે અને દમણ તથા ગુજરાતમાં કેટલાં લોકો માટે આવા બનાવટી દસ્તાવેજો તૈયાર કરીને પાસપોર્ટ મેળવવામાં આવ્યા છે તે દિશામાં તપાસ આગળ વધારવામાં આવી રહી છે.

પોલીસે જણાવ્યું છે કે આ પ્રકારના ગુન્હાઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે અને સંડોવાયેલા તમામ આરોપીઓને ઝડપવામાં આવશે.