પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટીનો મોટો ખુલાસો – સુરત મહાનગરપાલિકાના ઓડિટ રિપોર્ટથી ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી
![]() |
| CTN Gujarat |
સુરત મહાનગરપાલિકાની કામગીરી સામે આમ આદમી પાર્ટીએ પ્રેસ કોન્ફરન્સ કરીને ગંભીર આક્ષેપો કર્યા છે. પ્રેસ સમક્ષ બોલતાં આમ આદમી પાર્ટીના નેતાઓએ સ્પષ્ટ કર્યું કે આ કોઈ રાજકીય આરોપ નથી, પરંતુ ખુદ મહાનગરપાલિકાનો અધિકૃત ઓડિટ રિપોર્ટ છે, જે સુરત શહેરના વહીવટમાં ચાલતા ભ્રષ્ટાચાર, બેદરકારી અને બિનઆયોજિત ખર્ચને ખુલ્લો પાડે છે.
આમ આદમી પાર્ટીએ જણાવ્યું કે શહેરનું સંચાલન કોઈ સ્પષ્ટ યોજના, જવાબદારી કે નિયંત્રણ વગર ચાલી રહ્યું છે. કરોડો રૂપિયાના કામો માત્ર કાગળ પર પૂર્ણ બતાવવામાં આવ્યા છે, જ્યારે જમીન પર તેનું કોઈ અસ્તિત્વ જોવા મળતું નથી. સ્વીપર મશીન, ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શન, સિક્યુરિટી સર્વિસ, સિટી લિંક સહિત અનેક પ્રોજેક્ટોમાં ગેરરીતિઓ સામે આવી છે.
પ્રેસ કોન્ફરન્સમાં રજૂ કરાયેલા આંકડાઓ મુજબ 2021-22માં કેપિટલ ખર્ચ ₹1968 કરોડ, 2022-23માં ₹2515 કરોડ અને 2023-24માં ₹3202 કરોડ સુધી પહોંચ્યો છે. જ્યારે મરામત ખર્ચ સતત 30 થી 35 ટકા સુધી રહ્યો છે. ઓડિટ રિપોર્ટ સ્પષ્ટ રીતે જણાવે છે કે ખોટી ડિઝાઇન અને બિનજરૂરી ખર્ચના કારણે મહાનગરપાલિકાની આર્થિક સ્થિતિ પર ભારે બોજો પડી રહ્યો છે.
આમ આદમી પાર્ટીએ વધુમાં જણાવ્યું કે મહેકમ ખર્ચ અતિશય વધ્યો છે. 2021-22માં કુલ આવકના 48.26% અને 2022-23માં 48.87% ખર્ચ માત્ર વહીવટ પર થયો છે, જ્યારે વ્યવસ્થિત સંસ્થામાં આ આંકડો 30%થી ઓછો હોવો જોઈએ. આટલો ખર્ચ હોવા છતાં કર્મચારીઓની અછત બતાવવામાં આવે છે, જે પોતે જ શંકાસ્પદ બાબત છે.
ઓડિટ રિપોર્ટ અનુસાર સ્ટોર્સ વિભાગમાં છેલ્લા ત્રણ વર્ષમાં ₹155 કરોડથી વધુનો સામાન બિનવપરાશી પડી રહ્યો છે. વારંવાર ચેતવણી છતાં બિનજરૂરી ખરીદી ચાલુ છે, જે સપ્લાયરોને ફાયદો પહોંચાડવાનું સૂચવે છે. ઉપરાંત જનરલ એડવાન્સના નામે 2021-22માં ₹951 કરોડ, 2022-23માં ₹1194 કરોડ અને 2023-24માં ₹1406 કરોડ ખર્ચાયા છે, જે આયોજનના સંપૂર્ણ અભાવને દર્શાવે છે.
પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટીએ ઓડિટમાં દર્શાવાયેલા ગંભીર વાંધાઓ પણ જાહેર કર્યા. બ્રિજ સેલમાં સત્તા વગર મંજૂરી, વર્કશોપમાં મંજૂર દર કરતાં વધુ ચુકવણી, પાર્ક વિભાગમાં એક જ કામ માટે બે વખત બિલ, સ્મીમેરમાં વધારે ભાવ ચૂકવવા અને સેનિટેશન વિભાગમાં વધારાના કન્ટેનરોની ચુકવણી જેવા કિસ્સાઓ ખુલાસા થયા છે.
આમ આદમી પાર્ટીનો સવાલ છે કે – આ તમામ ગેરરીતિઓ માટે જવાબદાર કોણ? મેયર, કમિશ્નર કે સ્ટેન્ડિંગ કમિટી? જો જવાબદારી નક્કી નહીં થાય તો ભ્રષ્ટાચાર અટકશે નહીં.
પાર્ટીએ માંગ કરી છે કે ઓડિટ રિપોર્ટમાં દર્શાવાયેલા તમામ મુદ્દાઓની સ્વતંત્ર તપાસ થાય, દોષિત અધિકારીઓ સામે GPMC એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવે, છેલ્લા પાંચ વર્ષના મોટા પ્રોજેક્ટ્સનું થર્ડ પાર્ટી ઓડિટ થાય અને તમામ ટેન્ડર તથા ચુકવણીઓ જાહેર રીતે ઓનલાઈન મૂકવામાં આવે.
આમ આદમી પાર્ટીએ સ્પષ્ટ કર્યું કે આ લડાઈ રાજકીય નથી, પરંતુ સુરતના ઈમાનદાર ટેક્સદાતાઓના હક માટે છે. જો આજે અવાજ નહીં ઉઠાવાય તો આવનારા સમયમાં સુરતનું આર્થિક ભવિષ્ય વધુ અંધકારમય બની જશે.

0 Comments