મકરસંક્રાંતિને સુરક્ષિત બનાવવા સુરત પોલીસની કડક કાર્યવાહી, ચાઈનીઝ દોરીના અનેક કેસો ઝડપાયા
સુરત શહેરમાં મકરસંક્રાંતિના તહેવારને ધ્યાનમાં રાખીને ચાઈનીઝ દોરી (નાયલોન/ગ્લાસ કોટેડ/સિન્થેટિક થ્રેડ)ના વેચાણ, સંગ્રહ અને ઉપયોગ સામે સુરત પોલીસ દ્વારા વ્યાપક અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લોકોની સલામતીને પ્રાથમિકતા આપીને શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા ગુનાઓના આધારે સતત ચેકિંગ અને દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
લાલગેટ પોલીસની કાર્યવાહી
સુરતની લાલગેટ પોલીસ દ્વારા ડબગરવાડ વિસ્તારમાં ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન ચાઈનીઝ દોરી તથા તુક્કલ (લેન્ટર્ન)નું ગેરકાયદેસર વેચાણ ચાલી રહ્યું છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી. દોરીના વિક્રેતાઓ પાસે જાતે જઈને PI ચૌધરી દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું અને વેપારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી કે પ્રતિબંધિત દોરીનું વેચાણ કરનાર સામે કાયદેસર કાર્યવાહી થશે.
ઉધના સર્વેલન્સ ટીમની મોટી સફળતા
ઉધના સર્વેલન્સ ટીમ દ્વારા પ્રતિબંધિત ચાઈનીઝ દોરી (MONOKITE FIGHTER MANJHA) નંગ-૧૨૫, કિંમત રૂ. ૩૭,૫૦૦/-ની મત્તા સાથે કેસ શોધી કાઢવામાં આવ્યો છે. આ દોરી અત્યંત ઘાતક હોવાથી તેના ઉપયોગથી માનવજીવનને ગંભીર નુકસાન થવાની સંભાવના રહે છે.
ઉત્રાણ પોલીસ દ્વારા ધરપકડ
આગામી મકરસંક્રાંતિના તહેવાર અનુસંધાને ઉત્રાણ પોલીસ દ્વારા નાયલોન (ચાઈનીઝ) દોરી (બોબીન)નું વેચાણ કરતા બે ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. કુલ ૮૯ બોબીન, કિંમત રૂ. ૮૯,૦૦૦/-ની મત્તા સાથે આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
ઉચ્ચ અધિકારીઓની સ્પષ્ટ સૂચના
સુરત શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત સાહેબ, ખાસ પોલીસ કમિશ્નર વાબાંગ જામીર સેક્ટર-૧, નાયબ પોલીસ કમિશ્નર ડો. કાનન દેસાઇ, તથા I/C મદદનીશ પોલીસ કમિશ્નર વી.એમ. જાડેજા સહિતના અધિકારીઓએ શહેર વિસ્તારમાં આગામી ઉત્તરાયણ તહેવારને ધ્યાનમાં રાખીને ચાઈનીઝ તુક્કલ/લેન્ટર્ન તથા ચાઈનીઝ માંઝા, ગ્લાસ કોટેડ થ્રેડ, સિન્થેટિક કોટીંગવાળી પ્લાસ્ટિક દોરી અને નાયલોન થ્રેડ દોરીના ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ પર પ્રતિબંધિત કેસો શોધી કાઢવા સ્પષ્ટ સૂચનાઓ આપી છે.
તે ઉપરાંત મે. પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત સાહેબ, સંયુક્ત પોલીસ કમિશ્નર કે.એન. ડામોર સેક્ટર-૨, નાયબ પોલીસ કમિશ્નર લખધીરસિંહ ઝાલા અને મદદનીશ પોલીસ કમિશ્નર આર.આર. આહિર દ્વારા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અસરકારક પગલાં લેવા માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
પ્રતિબંધ અને કારણ
રાજ્ય સરકાર તથા પોલીસ વિભાગ દ્વારા ચાઈનીઝ દોરી વધુ ઘાતક હોવાથી તેના ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ભૂતકાળમાં ચાઈનીઝ દોરીના કારણે ગંભીર અકસ્માતો, ગંભીર ઈજાઓ તથા જાનહાનિના બનાવો સામે આવ્યા છે. પતંગ ઉડાડવા માટે આ પ્રકારની દોરીનો ઉપયોગ માનવજીવન માટે અત્યંત જોખમી હોવાથી કોઈપણ ઇસમ દ્વારા તેનો વેચાણ કે ઉપયોગ કરવો ગુનાહિત છે.
જનતાને અપીલ
સુરત શહેર પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ સુરક્ષિત કપાસની દોરીનો જ ઉપયોગ કરે, પ્રતિબંધિત ચાઈનીઝ દોરી ખરીદે કે વાપરે નહીં અને કોઈ ગેરકાયદેસર વેચાણની જાણ નજીકના પોલીસ સ્ટેશનને કરે. સુરક્ષિત ઉત્તરાયણ ઉજવવા માટે પોલીસ સંપૂર્ણ સજાગ છે અને કાયદાનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે.



0 Comments