Bribery Case in Udhna | ઉધના મામલતદાર કચેરીમાં લાંચખોરીનો પર્દાફાશ-CTN Gujarat

ACB ની સફળ ટ્રેપ કાર્યવાહી: ઉધના મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર રૂ.૧૦ હજારની લાંચ લેતાં ઝડપાયા

CTN Gujarat 

સુરત જિલ્લામાં ભ્રષ્ટાચાર સામે કડક વલણ દાખવતા Anti Corruption Bureau દ્વારા વધુ એક સફળ ટ્રેપ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન ઉધના મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા સર્કલ ઓફિસરને લાંચ સ્વીકારતાં રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે. સમગ્ર ઘટના તા. ૨૪/૧૨/૨૦૨૫ના રોજ બની હતી.

એ.સી.બી. દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ કેસમાં ફરીયાદી એક જાગૃત નાગરિક છે, જેમણે લાંચ આપવાનો ઇનકાર કરી કાયદાનો માર્ગ પસંદ કર્યો હતો. આરોપી તરીકે કૃષ્ણકુમાર બનેસંગ ડાભી (ઉ.વ. ૩૮) સામે કાર્યવાહી કરવામાં આવી છે. તેઓ ઉધના-૧ વિસ્તારના સર્કલ ઓફિસર તરીકે વર્ગ-૩માં ફરજ બજાવી રહ્યા હતા અને તેમની કચેરી ઉધના મામલતદારની કચેરી ખાતે આવેલ છે.

ફરિયાદીની ટૂંકી વિગતો મુજબ, તેમના અસીલના પ્લોટવાળી જમીન અંગે અગાઉના માલિકના નામોની કાચી નોંધ પ્રમાણિત કરવા માટે અરજી કરવામાં આવી હતી. આ પ્રક્રિયા કાયદેસર રીતે પૂર્ણ કરવા બદલ આરોપીએ રૂ. ૧૦,૦૦૦/-ની લાંચની માંગણી કરી હતી. ફરીયાદી આ લાંચ આપવા ઇચ્છુક ન હોવાથી તેમણે એ.સી.બી.નો સંપર્ક કરી સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદના આધારે એ.સી.બી. દ્વારા સંપૂર્ણ આયોજન સાથે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું. નક્કી કરેલા આયોજન મુજબ ફરીયાદી જ્યારે આરોપીને મળ્યા ત્યારે આરોપીએ હેતુલક્ષી વાતચીત કરી ફરી એકવાર રૂ. ૧૦,૦૦૦/-ની લાંચની માંગણી કરી અને તે રકમ સ્વીકારી હતી. 
લાંચ સ્વીકારતાની સાથે જ એ.સી.બી.ની ટીમે કાર્યવાહી કરી આરોપીને સ્થળ પર જ પકડ્યો હતો. તપાસ દરમિયાન લાંચની માંગણી કરેલ, સ્વીકારેલ અને રીકવર કરેલ રકમ રૂ. ૧૦,૦૦૦/- હોવાનું સ્પષ્ટ થયું છે.

આ સફળ ટ્રેપ કામગીરીમાં ટ્રેપિંગ અધિકારી તરીકે શ્રી એસ.ડી. ધોબી, પોલીસ ઇન્સ્પેક્ટર, સુરત ગ્રામ્ય એ.સી.બી. પોલીસ સ્ટેશન તથા તેમની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સમગ્ર કામગીરી પર સુપરવિઝન શ્રી આર.આર. ચૌધરી, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ દ્વારા કરવામાં આવ્યું હતું.

 જ્યારે ઇન્ચાર્જ અધિકારી તરીકે બળદેવ દેસાઇ, નાયબ નિયામક, વડોદરા રેન્જ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
એ.સી.બી.ની આ કાર્યવાહી ફરી એકવાર સાબિત કરે છે કે ભ્રષ્ટાચાર સામે લડવામાં જાગૃત નાગરિકોની ભૂમિકા અતિ મહત્વપૂર્ણ છે. 

લાંચ માંગનાર સરકારી કર્મચારીઓ સામે કાયદાની પકડ મજબૂત છે અને કોઈપણ અધિકારી કાયદાથી ઉપર નથી. એ.સી.બી.એ જાહેર જનતાને અપીલ કરી છે કે જો કોઈ સરકારી કચેરીમાં લાંચની માંગણી થાય તો ભય વગર આગળ આવી ફરિયાદ નોંધાવવી જોઈએ, જેથી ભ્રષ્ટાચાર મુક્ત સમાજ તરફ મજબૂત પગલું ભરી શકાય.

Post a Comment

0 Comments