સુરત | સસ્તા અનાજની દુકાન ચલાવનારને બ્લેકમેઇલ કરી લાખોની ઉઘરાણી – AAP કાર્યકર સહિત બે સામે ગંભીર ફરિયાદ
ઘટના શું છે?
ફરિયાદ મુજબ, નિલેશ મોરે પોતાની માતા સિંધુબેન મોરેના નામે ચાલતી સરકાર માન્ય રેશન દુકાન (લાયસન્સ નં. 973/96) પર ઓપરેટર તરીકે કામ કરે છે. તારીખ 13-10-2025ના રોજ સવારે દુકાન પર અનાજ વિતરણ ચાલી રહ્યું હતું ત્યારે શ્રવણ જોશી નામનો વ્યક્તિ એક અજાણ્યા સાથી સાથે દુકાને આવ્યો અને દુકાનમાં કાળાબજાર થતો હોવાના ખોટા આરોપો લગાવ્યા.
તેમણે ગ્રાહકોને ઉશ્કેર્યા, દુકાનનો વીડિયો ઉતાર્યો અને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી. ત્યારબાદ દુકાન ચાલુ રાખવી હોય તો “હપ્તો” આપવા પડશે તેવી ખુલ્લી ધમકી આપવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.
સોશિયલ મીડિયામાં બદનામી
ફરિયાદ અનુસાર, શ્રવણ જોશીએ પોતાની ફેસબુક આઈડી પરથી દુકાનના વીડિયો અપલોડ કર્યા હતા અને ત્યારબાદ તેના માણસ સંપત ચૌધરી દ્વારા સંપર્ક કરાવીને દર મહિને 50 હજાર રૂપિયા આપવાની માંગણી કરી હતી. પૈસા નહીં આપો તો દુકાન બંધ કરાવી દઈશું અને વધુ વીડિયો વાયરલ કરીશું એવી ધમકી પણ અપાઈ હતી.
એક લાખ રૂપિયાની ઉઘરાણી
ડર અને દબાણમાં આવીને પીડિતે પોતાના ઓળખીતા બદ્રીપ્રસાદ ચંદેલ મારફતે વાતચીત કરી અને અંતે 16 ડિસેમ્બર 2025ના રોજ ગોડાદરા વિસ્તારમાં આદર્શ સ્કૂલ નજીક જાહેર રોડ પર સંપત ચૌધરીને રોકડ એક લાખ રૂપિયા આપ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સાક્ષી તરીકે મોબાઈલમાં રેકોર્ડ થયેલ હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ છે.
ફરી હેરાનગતિ શરૂ થતા ફરિયાદ
પૈસા આપ્યા બાદ પણ ફરીથી ધમકીઓ શરૂ થતાં આખરે પીડિતે પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં શ્રવણ જોશી, સંપત ચૌધરી અને એક અજાણ્યા સાગરીત સામે ગેરકાયદેસર ઉઘરાણી, ધમકી, બદનામી અને ષડયંત્ર રચવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.
પોલીસ તપાસ શરૂ
ફરિયાદના આધારે પોલીસ દ્વારા મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે. જો આરોપ સાબિત થાય તો IPC મુજબ ગંભીર કલમો લાગવાની શક્યતા છે.
ઉઘરાણી કેસમાં નવો વળાંક — આમ આદમી પાર્ટીનો સ્પષ્ટ જવાબ, “રાજકીય ષડયંત્રથી શ્રવણ જોષીને ફસાવાયા”
લિંબાયત મામલે AAPનું ખુલ્લું નિવેદન, ભાજપ પર ગંભીર આક્ષેપ
સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં સસ્તા અનાજની દુકાન સાથે જોડાયેલા ઉઘરાણી કેસમાં હવે રાજકીય ઘમાસાણ શરૂ થયું છે. ફરિયાદ બાદ આમ આદમી પાર્ટીએ સમગ્ર મામલે પોતાનો પક્ષ જાહેર કર્યો છે અને આ કેસને “ભાજપ પ્રેરિત ખોટી ફરિયાદ” ગણાવી છે.
આમ આદમી પાર્ટીના સુરત શહેર યુવા મહામંત્રી શ્રી શ્રવણ જોષીને ખોટા કેસમાં ફસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું પાર્ટી દ્વારા દાવો કરવામાં આવ્યો છે.
“લોકહિત માટે અવાજ ઉઠાવ્યાનો બદલો” – AAP
આમ આદમી પાર્ટી દ્વારા જણાવવામાં આવ્યું છે કે:
“વર્ષોથી ગોડાદરા વિસ્તારમાં દાદા મંદિરની આસપાસ ગેરકાયદેસર રીતે માંસ-મટનના ધંધા ચાલી રહ્યા છે. જેના કારણે સ્થાનિક રહીશો ભારે પરેશાન હતા. આ બાબતે અનેકવાર ફરિયાદો છતાં કોઈ કાર્યવાહી થતી ન હતી.”
સ્થાનિક લોકોએ જ્યારે આ મુદ્દો શ્રવણ જોષી સમક્ષ રજૂ કર્યો ત્યારે તેમણે તાત્કાલિક આ ગેરકાયદેસર ધંધાઓ સામે અવાજ ઉઠાવ્યો હતો અને તેમને હટાવવાની માંગ કરી હતી.
ભાજપના નેતાઓને પડકાર બન્યો અવાજ?
આમ આદમી પાર્ટીનો આરોપ છે કે:
વોર્ડ નં. 26માં ભાજપના ડેપ્યુટી મેયર રહે છે
તે વિસ્તારમાં શાસક પક્ષના પૂર્વ કોર્પોરેટરો પણ સક્રિય છે
સ્થાનિક મુદ્દાઓ સામે અવાજ ઉઠાવતાં ભાજપને રાજકીય ખતરો લાગ્યો
આ કારણે જ શ્રવણ જોષી સામે ખોટી ફરિયાદ કરાવી તેમને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, એવો AAPનો દાવો છે.


0 Comments