Surat Police Bust Ganja Racket: 55.550 Kg of Cannabis Seized, 6 Accused Arrested | CTN Gujarat Latest News

સુરતમાં પાંડેસરા પોલીસની મોટી કાર્યવાહી: 55.550 કિલો ગાંજા સાથે 6 આરોપીઓ ઝડપાયા, ₹27.77 લાખનો મુદ્દામાલ કબજે
સુરત: સુરત શહેરમાં નશાના કારોબાર સામે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત પાંડેસરા પોલીસે મોટી સફળતા મેળવી છે. પાંડેસરા વિસ્તારમાંથી પોલીસે 55.550 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે છ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ દ્વારા પકડાયેલા ગાંજાની કિંમત ₹27,77,500 આંકવામાં આવી છે.

પોલીસ કમિશનર વિબાંગ જમિરના માર્ગદર્શન હેઠળ સુરત શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી અને વેચાણ કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. જેના આધારે ઝોન-4 તથા એચ ડિવિઝનના ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પાંડેસરા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી.
દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે પાંડેસરા વિસ્તારના યુનિટનગર, પ્લોટ નંબર-213 ખાતે આવેલી બી-બ્લોકની દુકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે મનોજ ઉર્ફે પપ્પા હીરા સાહુ, વિક્રમસિંહ બલ્લુ ચૌહાણ, ધીરજ રાજેન્દ્રપ્રસાદ વિશ્વકર્મા, બકાસ ઉર્ફે વિકાસ અનંત સ્વાઈન, પવન કનૈયાલાલ દુબે અને રંજન ઉર્ફે રણજીત દુલા સાહુને ઝડપી પાડ્યા હતા.

પોલીસે આરોપીઓ પાસેથી કુલ 55.550 કિલોગ્રામ ગાંજો, ખાલી મીણિયાની થેલીઓ, ગાંજાના વેચાણ માટે તૈયાર કરવામાં આવેલા પેકેટોના કાગળના ટુકડા નંગ-240 તથા પેકેટ બનાવવા માટે રાખવામાં આવેલા કાગળના ટુકડા નંગ-407 કબજે કર્યા હતા.

આ ઉપરાંત આરોપીઓ પાસેથી રોકડા ₹1,760, પાંચ મોબાઇલ ફોન કિંમત ₹19,000, એક બર્ગમેન મોપેડ કિંમત ₹65,000 અને એક એક્સેસ મોપેડ કિંમત ₹40,000 પણ કબજે કરવામાં આવી છે.

આમ, ગાંજા સહિત કુલ ₹29,03,260નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે.
આ મામલે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં બી-પાર્ટ ગુનો રજિસ્ટર નંબર 11210045266018/2026 હેઠળ NDPS એક્ટ-1985ની કલમ 8(C), 20(B)(ii)(C) અને 29 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પાંડેસરા પોલીસની આ કામગીરીથી સુરત શહેરમાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસ હવે આ નેટવર્કમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં વધુ તપાસ કરી રહી છે.

Post a Comment

0 Comments