140 કિલો ગાંજો ઝડપાયો, એકની ધરપકડ | SOG's Major Drug Bust in Surat | CTN Gujarat Latest

સુરત SOGનો મેગા ઓપરેશન! ભેસ્તાનના રહેણાંક ફ્લેટમાંથી 140.360 કિલો ગાંજો ઝડપાયો, ₹13.40 લાખનો મુદ્દામાલ જપ્ત
સુરત: સુરત શહેરમાં નશાના કારોબાર સામે પોલીસ દ્વારા સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે સુરત શહેર SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)એ ભેસ્તાન વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી રહેણાંક ફ્લેટમાંથી 140.360 કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી કુલ ₹13,40,400ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

મળતી માહિતી અનુસાર, ગુજરાત સરકારની NDPS મામલે ઝીરો ટોલરન્સ નીતિ અંતર્ગત સુરત પોલીસ કમિશનર વાંગા જમિરના માર્ગદર્શન હેઠળ શહેરમાં નશાના કારોબાર અને નશીલા પદાર્થોના વેચાણ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.
જેના આધારે SOGના PI પી.સી. સોનારા દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના આધારે નશીલા પદાર્થોનું ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમો પર વોચ રાખવામાં આવી રહી હતી.

આ દરમિયાન PI જે.એમ. પરમારની રાહબરી હેઠળ SOGની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે સમયે ASI હિતેશભાઈ દિલીપભાઈ તથા HC કિરીટકુમાર શામજીભાઈને મળેલી બાતમીના આધારે ભેસ્તાન વિસ્તારમાં આવેલા ફ્લેટ નંબર 02, સત્યમાવર એક પુષ્પમ પાર્ક સોસાયટી, મેરી માતા પબ્લિક સ્કૂલની પાછળ દરોડો પાડવામાં આવ્યો હતો.

પોલીસે દરોડા દરમિયાન રોહિત છોટુભાઈ કાંબલે (ઉંમર 29 વર્ષ) નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. આરોપીના કબજામાંથી 140.360 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત ₹10,16,400 હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત મોબાઈલ ફોન સહિત કુલ ₹13,40,400ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

પોલીસ તપાસમાં આરોપી જથ્થાબંધ ભાવે ગાંજાનો જથ્થો મેળવી પોતાના વતન અને અન્ય વિસ્તારોમાંથી લાવી ઔદ્યોગિક વિસ્તારમાં છૂટક ગ્રાહકોને વેચાણ કરતો હોવાની હકીકત સામે આવી હોવાનું પ્રેસનોટમાં જણાવાયું છે.
આ મામલે પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે.

સુરત શહેરમાં નશાના કારોબારને ડામવા માટે SOGની આ મોટી કાર્યવાહીથી નશાના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.

Post a Comment

0 Comments