સુરત ભાજપમાં આંતરિક વિવાદ ચરમસીમાએ! | BJP VS AAP| CTN Gujarat Latest News

સુરત ભાજપના કથિત ૧૯ લાખના તોડકાંડમાં નવો વળાંક! મનીષ નાયકે પરેશ પટેલને કરેલી બે WhatsApp ફરિયાદના સ્ક્રીનશોટ જાહેર કર્યા
એક તરફ ભાજપ શહેર પ્રમુખ પરેશ પટેલે વાયરલ થયેલા સમાચારોને ખોટા ગણાવ્યા, તો બીજી તરફ મનીષ નાયકના ૨૧ અને ૨૪ ઓક્ટોબરના WhatsApp મેસેજથી અનેક સવાલો ઊભા થયા

સુરત ભાજપમાં ચર્ચાસ્પદ બનેલા કથિત ૧૯ લાખ રૂપિયાના તોડકાંડનો વિવાદ દિવસેને દિવસે વધુ ગરમાઈ રહ્યો છે. કૈલાશ ધામ બંગલોઝ મામલે વાયરલ થયેલી કથિત ચેટ અને ૧૯ લાખ રૂપિયાના કલેક્શનના આક્ષેપો બાદ હવે ભાજપના નેતા મનીષ નાયકે વધુ બે WhatsApp ચેટના સ્ક્રીનશોટ જાહેર કરતાં રાજકીય વર્તુળોમાં ફરી ચર્ચા શરૂ થઈ છે.
જાહેર કરવામાં આવેલા સ્ક્રીનશોટ મુજબ, મનીષ નાયકે ૨૧ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ સુરત શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલને WhatsApp મેસેજ કરીને સમગ્ર મામલે જાણ કરી હોવાનો દાવો થાય છે.

આ મેસેજમાં ડિંડોલી વોર્ડ નંબર ૨૭ દક્ષિણ વિસ્તારમાં ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈની હાજરીમાં યોજાયેલા ખાતમુહૂર્ત કાર્યક્રમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મેસેજમાં કથિત રીતે ૧૯ લાખ રૂપિયાના કલેક્શનનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેમાં ૧૦ લાખ રૂપિયા ધારાસભ્યના નામે, કોર્પોરેટરોના નામે ૨-૨ લાખ રૂપિયા અને એક લાખ રૂપિયા લીંબાયતના ડેપ્યુટી એન્જિનિયર દેસાઈના નામે હોવાની વાત લખવામાં આવી છે.

આ ઉપરાંત, મેસેજમાં આ સમગ્ર મામલે પક્ષની છબી ખરડાતી હોવાની ચિંતા વ્યક્ત કરીને જવાબદાર હોદ્દેદારો સામે તપાસ કરવાની વિનંતી પણ કરવામાં આવી છે.

માત્ર ૨૧ ઓક્ટોબર જ નહીં, પરંતુ ૨૪ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ પણ મનીષ નાયકે ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ અને શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલને સંબોધીને બીજો WhatsApp મેસેજ મોકલ્યો હોવાનો સ્ક્રીનશોટ જાહેર કર્યો છે.

આ મેસેજમાં ડિંડોલી વોર્ડ નંબર ૨૭ દક્ષિણના રેસિડેન્સ કૈલાશ ધામ બંગલોઝના કોમર્શિયલ દુકાનોના મામલે કથિત ભ્રષ્ટાચાર અને પક્ષના કેટલાક હોદ્દેદારો સામે લાગેલા આક્ષેપોની તપાસ કરવાની માગ કરવામાં આવી છે. મનીષ નાયકે પોતાના મેસેજમાં સંબંધિત વ્યક્તિઓને બોલાવી હકીકતની તપાસ કરવા અને જો નિયમ વિરુદ્ધ કામ થયું હોય તો ડિમોલિશન સહિતની કાર્યવાહી કરવાની રજૂઆત કરી હોવાનું ચેટમાં જોવા મળે છે.

બીજી તરફ, ભાજપ શહેર પ્રમુખ પરેશ પટેલ દ્વારા વાયરલ થયેલા સમાચારોને ખોટા ગણાવી મીડિયાને નોટિસ આપવાની વાત કરવામાં આવી હોવાના અહેવાલો વચ્ચે મનીષ નાયક દ્વારા જાહેર કરાયેલા આ બે સ્ક્રીનશોટથી મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે.

અહીં સૌથી મોટો સવાલ એ છે કે જો મનીષ નાયક દ્વારા ૨૧ અને ૨૪ ઓક્ટોબરે જ પક્ષના શહેર પ્રમુખ સમક્ષ આ મામલે રજૂઆત કરવામાં આવી હતી, તો પછી સમગ્ર વિવાદ અંગે પક્ષની અંદર શું કાર્યવાહી થઈ? રજૂઆતની તપાસ કરવામાં આવી હતી કે નહીં? અને કથિત ૧૯ લાખના કલેક્શન પાછળની હકીકત શું છે?

દરમિયાન, આ મામલે આમ આદમી પાર્ટી દ્વારા ACB સમક્ષ રજૂઆત કરવામાં આવતાં વિવાદને નવો રાજકીય વળાંક મળ્યો છે.

હવે જોવાનું એ રહ્યું કે કથિત ૧૯ લાખના તોડકાંડમાં ખરેખર શું હકીકત બહાર આવે છે? શું ACB દ્વારા સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે કે પછી આ વિવાદ રાજકીય આક્ષેપ-પ્રતિઆક્ષેપ પૂરતો જ સીમિત રહેશે?

Post a Comment

0 Comments