રાજ્યમાં ગૌવંશ ચોરી કરતી ગેંગના બે હિસ્ટ્રીશીટર આરોપીઓ એલ.સી.બી. ઝોન-7ના હાથે ઝડપાયા | CTN Gujarat

રાજ્યમાં ગૌવંશ ચોરી કરતી ગેંગના બે હિસ્ટ્રીશીટર આરોપીઓ એલ.સી.બી. ઝોન-7ના હાથે ઝડપાયા

અમદાવાદ: અમદાવાદ શહેર પોલીસની એલ.સી.બી. ઝોન-7એ મોટી સફળતા મેળવી રાજ્યમાં ગૌવંશ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા અને છેલ્લા નવ મહિનાથી ફરાર બે વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડ્યા છે. બંને આરોપીઓ સામે મહેસાણા જિલ્લાના લાઘણજ પોલીસ સ્ટેશન તેમજ અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓમાં તેઓ લાંબા સમયથી ફરાર હતા.

અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને સંયુક્ત પોલીસ કમિશનર (સેક્ટર-1)ના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને ઝડપી કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા વિશેષ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. નાયબ પોલીસ કમિશનર ઝોન-7 શ્રી શિવમ વર્માના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ઝોન-7ની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે કાર્યવાહી હાથ ધરી હતી.

પેટ્રોલિંગ દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.ડી. વાઘેલા તથા તેમની ટીમને મળેલી બાતમીના આધારે વેજલપુર વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન ગૌવંશ ચોરીના ગુનામાં છેલ્લા નવ મહિનાથી ફરાર અને અગાઉ 12 જેટલા ગુનાઓમાં સંડોવાયેલા બે રીઢા આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા.

પકડાયેલા આરોપીઓમાં મહંમદરફીક સાબીરભાઈ ભાટીજીવાલા (ઉંમર 39), રહેવાસી ફતેવાડી, સરખેજ અને અબ્દુલહમીદ રસુલમિયા સૈયદ (ઉંમર 50), રહેવાસી શફાન પાર્ક, ફતેવાડી, સરખેજનો સમાવેશ થાય છે.

પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ સામે મહેસાણાના લાઘણજ પોલીસ સ્ટેશનમાં ગૌવંશ ચોરી અને ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ તેમજ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ગૌવંશ સંબંધિત ગુનાઓ અને અન્ય કાયદાની વિવિધ કલમો હેઠળ ગુનાઓ નોંધાયેલા છે.

બંને આરોપીઓની ધરપકડ બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથે જ પોલીસ હવે આ ગુનાઓમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં અને ગૌવંશ ચોરીના વધુ ગુનાઓ સાથે તેમનો સંબંધ છે કે નહીં તે દિશામાં પણ તપાસ આગળ ધપાવી રહી છે.

Post a Comment

0 Comments