સુરત ગ્રામ્ય LCBની કાર્યવાહી | 7,524 બોટલ-બીયર ટીન જપ્ત, ડ્રાઇવરની ધરપકડ
સુરત ગ્રામ્ય જિલ્લામાં પ્રોહિબિશન તથા જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત સુરત ગ્રામ્ય LCBએ પલસાણા તાલુકાના એના ગામની હદમાં મુંબઈ-વડોદરા એક્સપ્રેસ-વે નં. 4 પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.
પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે LCBની ટીમે MH-48-CQ-4118 નંબરના આઇસર ટેમ્પોને રોકી તપાસ કરતાં ખાલી કેરેટની આડમાં છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટેમ્પો ચાલક વિક્રમસિંહ રૂગસિંહ ગોહિલ (ઉં.વ. 41), રહે. બાડમેર, રાજસ્થાનની ધરપકડ કરી છે.
પોલીસના જણાવ્યા મુજબ ટેમ્પોમાંથી વિદેશી દારૂની નાની-મોટી બોટલો તથા બિયર ટીન મળી કુલ 7,524 નંગ, જેની કિંમત ₹10,90,500 છે, જપ્ત કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત પોલીસે દારૂ ભરેલો આઇસર ટેમ્પો ₹10 લાખ, મોબાઇલ ફોન, રોકડ રકમ, તાડપત્રી તથા ખાલી કેરેટ સહિત કુલ ₹20,98,140નો મુદ્દામાલ કબજે કર્યો છે.
વોન્ટેડ આરોપીઓ
આ ગુનામાં ટેમ્પો ક્લીનર ભાવેશભાઈ, દારૂનો જથ્થો ભરાવનાર રામભાઈ, રામભાઈનો સંપર્ક કરાવનાર મુન્ના તથા દારૂનો જથ્થો મંગાવનાર કડોદરાના માંગીલાલ બિશ્નોઈને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. તેમના સંપૂર્ણ નામ-સરનામા અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો વાપી હાઈવે પરથી ટેમ્પોમાં ભરાવી સુરતના કિમ સુધી પહોંચાડવાનો હોવાનું સામે આવ્યું છે.
આ સમગ્ર કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહના માર્ગદર્શન તથા સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાની સૂચના હેઠળ LCB PI એન.જી. પાંચાણી, PSI જે.એલ. પટેલ તથા તેમની ટીમે હાથ ધરી હતી.
પોલીસે ઝડપાયેલા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.
0 Comments