Tapi: આમલીપાડા ગામે “એસ કે ચિકન સેન્ટર”માંથી નકલી દારૂનો મોટો ભંડાફોડ | CTN Gujarat

 સોનગઢ તાલુકાના આમલીપાડા ગામમાં ગેરકાયદેસર ઇંગ્લીશ દારૂ ફેક્ટરી ઝડપાઈ, ₹5.14 લાખનો મુદ્દામાલ જપ્ત

Tapi News

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના આમલીપાડા ગામમાં ગેરકાયદેસર રીતે નકલી ઇંગ્લીશ દારૂ બનાવતી ફેક્ટરી પર લોકલ ક્રાઇમ બ્રાંચ (LCB) તાપી, પેરોલ-ફર્લો સ્કોડ તાપી અને સોનગઢ પોલીસ દ્વારા સંયુક્ત દરોડો પાડી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે કુલ રૂપિયા 5,14,403ના પ્રોહી જથ્થા તેમજ દારૂ બનાવવાના સાધનો સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.


માહિતી મુજબ, તાપી એલસીબી અને પેરોલ-ફર્લો સ્કોડની ટીમ સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે ખાનગી બાતમી મળી હતી કે આમલીપાડા ગામે આવેલ “એસ કે ચિકન સેન્ટર” નામની દુકાન તેમજ રહેઠાણની જગ્યાએ ગેરકાયદેસર રીતે નકલી ઇંગ્લીશ દારૂ બનાવવાની ફેક્ટરી ચલાવવામાં આવી રહી છે.
બાતમીના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરતા આગળના રૂમમાં દારૂ બનાવવાની પ્રવૃત્તિ ચાલી રહી હોવાનું સામે આવ્યું હતું. તપાસ દરમિયાન ત્યાં હાજર વ્યક્તિએ પોતે જ ઇંગ્લીશ દારૂ બનાવી બોટલોમાં ભરી વેચાણ માટે તૈયાર કરતો હોવાની કબૂલાત આપી હતી.

પોલીસે સ્થળ પરથી આરોપી દુર્ગાશંકર ઉદેલાલ ખટીક અને કલ્પેશભાઈ ઉર્ફે લાલો રામચંદ્રભાઈને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ, નકલી દારૂ બનાવવા માટેનો સામાન અને અન્ય પ્રોહી જથ્થો મળી આવ્યો હતો.
આ કેસમાં સોનગઢના પ્રોહી બુટલેગર સિંકદર શાંતુભાઈ ગામીત, તેની પત્ની સુમિત્રાબેન સિંકદર ગામીત સહિત કુલ ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી માટે કેસ સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.

આ સમગ્ર કામગીરી પો.ઇન્સ. ડી.એસ. ગોહિલ (એલસીબી તાપી) અને પો.ઇન્સ. જે.બી. આહીર (પેરોલ-ફર્લો સ્કોડ તાપી)ના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. કામગીરીમાં પો.સ.ઇ. કે.આર. પટેલ, એ.એસ.આઇ. જગદીશ જોરારામ, જયેશભાઈ લીલકીયાભાઈ, અનિરૂદ્ધસિંહ દેવસિંહ, રાહુલભાઈ દિગમ્બરભાઈ સહિત અનેક પોલીસ કર્મચારીઓ જોડાયા હતા.

Post a Comment

0 Comments