પત્નીની હત્યા કરી લાશને લાકડાની પેટીમાં સિમેન્ટ સાથે છુપાવનાર પતિ ગણતરીના કલાકોમાં ઝડપાયો | પત્નીનો ગેર કાયદેસર સંબધ હોવાનો આક્ષેપ
સુરત શહેરના સલાબતપુરા વિસ્તારમાં પત્નીની નિર્મમ હત્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. પત્નીની હત્યા કર્યા બાદ લાશને જુના ઘરમાં લાકડાની પેટીમાં ભરી તેના ઉપર સિમેન્ટ અને માટી નાખી છુપાવી દેવામાં આવી હતી. ત્યારબાદ પત્ની ગુમ થયાની ખોટી વાત ફેલાવી આરોપી પતિ ફરાર થઈ ગયો હતો. જોકે સલાબતપુરા પોલીસ ટીમે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, ગત 25 એપ્રિલ 2026ના રોજ ફરિયાદીએ પોલીસમાં અરજી આપી હતી કે તેમના જમાઈએ 20 એપ્રિલ 2026ના રોજ તેમની દીકરીની હત્યા કરી તેની લાશ લાકડાની પેટીમાં મૂકી સિમેન્ટ ભરી છુપાવી દીધી હતી અને પત્ની ગુમ થયાની ખોટી હકીકત બતાવી ઘરે ચિઠ્ઠી મૂકી ફરાર થઈ ગયો હતો.
આ મામલે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103(1) અને 238 મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.
ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈ પોલીસ કમિશ્નર તથા ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સલાબતપુરા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. બનાવસ્થળની આસપાસના CCTV ફૂટેજ મેળવી આરોપીની હલચલ ટ્રેક કરવામાં આવી હતી.
પોલીસને મળેલી બાતમીના આધારે આરોપી પતિને ઝડપી પાડી પૂછપરછ કરવામાં આવતા તેણે ગુનાની કબૂલાત કરી હતી.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી અને તેની પત્ની વચ્ચે લાંબા સમયથી અણબનાવ ચાલતો હતો અને ઘરેલુ ઝઘડા થતા હતા. આ કારણે આરોપી પત્નીને પોતાના જુના ઘરે લઈ ગયો હતો. ત્યાં આસપાસ CCTV કેમેરા લાગેલા હોવાથી અન્ય સગાના મકાનની ગેલેરીમાંથી સાકડી ગલી મારફતે પત્નીને અંદર લઈ જઈ તેની હત્યા કરી હતી.
પત્નીના મોત બાદ લાશનો નિકાલ કરવા ડરી જતા આરોપીએ લાશને ઘરમાં જ છુપાવવાનો નિર્ણય લીધો હતો. તેણે લાશને લાકડાની પેટીમાં મૂકી તેમાં સિમેન્ટ અને માટી ભરી દીધી હતી જેથી ઓળખાણ ન થાય અને દુર્ગંધ પણ બહાર ન ફેલાય. બાદમાં રૂમને તાળું મારી ત્યાંથી નીકળી ગયો હતો.
આરોપી બે-ત્રણ દિવસ સુધી અલગ અલગ સમયે સ્થળ પર જઈ દુર્ગંધ આવે છે કે નહીં તેની તપાસ કરતો હતો તેમજ આસપાસ સફાઈ કરીને એર ફ્રેશનર પણ મૂકતો હતો.
પરિવારજનોએ પત્ની વિશે પૂછપરછ કરતા આરોપીએ ખોટી માહિતી આપી હતી અને ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની નોંધ પણ કરાવી હતી. પરંતુ સગાસંબંધીઓ અને પોલીસની પૂછપરછ વધતા પોતાનો ભાંડો ફૂટી જવાની ભીતિથી આરોપીએ એક ચિઠ્ઠીમાં ગુનાનો એકરાર લખી પોતાના દીકરાને આપી ઘરેથી ભાગી ગયો હતો.
ચિઠ્ઠીમાં જણાવેલા સરનામે તપાસ કરતા સમગ્ર હત્યાકાંડ બહાર આવ્યું હતું, જેના આધારે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.



0 Comments