ઇચ્છાપોરમાં 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો આરોપ, આરોપી મગદલ્લાથી ઝડપાયો
સુરત: ઇચ્છાપોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યાની ગંભીર ઘટનામાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસની પ્રાથમિક માહિતી મુજબ, મોરા ગામમાં રહેતી 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરવાના આરોપસર મનીષ પરશુરામ રાય (ઉં.વ. 36)ની ધરપકડ કરવામાં આવી છે.
બાળકો અને મહિલાઓ વિરુદ્ધ બનતા દુષ્કર્મના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા સુરત શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે ઇચ્છાપોર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એ. શાહના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ ટીમે તપાસ હાથ ધરી હતી.
સર્વેલન્સ સ્ટાફના પો.સ.ઇ. કે.પી. જાડેજા દ્વારા પોલીસ કર્મચારીઓની અલગ-અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. દરમિયાન મળેલી બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસ ટીમે મગદલ્લા વિસ્તારમાંથી આરોપી મનીષ પરશુરામ રાયને ઝડપી પાડ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ આરોપી મૂળ બકસર, બિહારનો રહેવાસી છે અને હાલમાં સુરતના મોરા ગામ વિસ્તારમાં રહેતો હતો.
આરોપી સામે ગુનો દાખલ
આ મામલે ઇચ્છાપોર પોલીસ સ્ટેશનમાં પાર્ટ-A ગુ.ર.નં. 11210019261016/2026 હેઠળ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 65(2) તેમજ POCSO Actની કલમ 3(B), 4, 5(M), 6, 8, 9(M) અને 10 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસે આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે કસ્ટડીમાં લીધો છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ કામગીરીમાં પો.ઇન્સ. એસ.એ. શાહ, પો.સ.ઇ. કે.પી. જાડેજા તેમજ અ.હે.કો. કવિતભાઈ મનુભાઈ, અ.હે.કો. રમેશભાઈ મેરામણભાઈ અને અ.પો.કો. વનરાજસિંહ નાથુભા સહિતની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી.
નોંધ: બાળકીની ઓળખ જાહેર ન થાય તે માટે સમાચાર અહેવાલમાં તેની ઓળખ, નામ, ફોટો કે અન્ય ઓળખી શકાય તેવી વિગતો આપવામાં આવી નથી.
0 Comments