Surat AAP Parivartan Sabha: Huge Crowd, Isudan Gadhvi Claims BJP Clean Sweep in 2027 | CTN Gujarat

સુરતમાં AAPની ‘પરિવર્તન સભા’માં જનસાગર: 2027માં ભાજપના સૂપડાં સાફ થવાના છે – ઈસુદાન ગઢવી

સુરતમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આયોજિત વિશાળ "પરિવર્તન સભા"માં જનતાનો અભૂતપૂર્વ પ્રતિસાદ જોવા મળ્યો. ગોડાદરા ખાતે યોજાયેલી આ સભામાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા સહિત અનેક નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં ઉમટેલી જનમેદનીએ પરિવર્તનનો સંકેત આપ્યો હોવાનું AAP નેતાઓએ જણાવ્યું.

સભાને સંબોધન કરતાં ઈસુદાન ગઢવીએ કહ્યું કે, “થોડા સમય પહેલાં જ્યારે હું સુરતમાં આવ્યો ત્યારે સારા બંગલાઓમાં પણ પાણી ભરાયેલા હતા. તો સુરતનું ₹10,000 કરોડનું બજેટ કોણ ખાઈ જાય છે?” તેમણે આરોપ લગાવ્યો કે ખેડૂતો, ગરીબો, મધ્યમવર્ગ, દલિત, આદિવાસી, યુવાનો અને મહિલાઓની વાત કરવાથી ભાજપને પેટમાં દુખે છે. ગઢવીએ દાવો કર્યો કે 2027માં સુરતમાં ભાજપની એક પણ સીટ નહીં આવે અને ભાજપના સૂપડાં સાફ થવાના છે.

વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે, “ભાજપ ઈચ્છે છે કે તમારા બાળકોના હાથમાં દારૂ, ડ્રગ્સ, છરા અને તલવારો હોય, જ્યારે AAP ઈચ્છે છે કે તમારા બાળકોના હાથમાં કમ્પ્યુટર અને લેપટોપ હોય.” તેમણે કહ્યું કે આ લડાઈ બે વિચારધારાઓ વચ્ચે છે – એક ખોટા રસ્તે દોરનારી અને બીજી ભવિષ્ય ઘડનારી. તેમણે ચેતવણી આપી કે જો વિરોધ પક્ષ ખતમ થઈ જશે, તો તાનાશાહી સત્તાનો પંજો સામાન્ય જનતા સુધી પહોંચશે. તેમણે સુરતમાં દારૂના અડ્ડા ખુલ્લા હોવાનો અને સામાન્ય લોકો પર કડક કાર્યવાહી થતી હોવાનો પણ મુદ્દો ઉઠાવ્યો.

AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર તાનાશાહી વલણના આરોપો લગાવ્યા. તેમણે કહ્યું કે, “આજે ભાજપના શાસનમાં સામાન્ય જનતાનો અવાજ સાંભળવામાં આવતો નથી.” તેમણે શ્રવણ જોશી પર થયેલા કેસને ખોટો ગણાવી ભાજપ પર પોલીસના દુરુપયોગનો આરોપ લગાવ્યો. તેમણે જણાવ્યું કે, “સભામાં હાજર હજારો લોકો ભાજપની ગુંડાગીરી સામે ઊભા રહ્યા છે, જે બદલાવનો મોટો સંકેત છે.”

પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું કે, “આજે ભાજપ એ પાર્ટી રહી નથી જેને તમે મત આપ્યા હતા. હવે તે ગુંડાઓ, દારૂ માફિયા અને ડ્રગ્સ માફિયાઓની પાર્ટી બની ગઈ છે.” તેમણે દાવો કર્યો કે આવનારી મહાનગરપાલિકા ચૂંટણીમાં AAPની જીત નક્કી છે અને ભ્રષ્ટાચાર કરનારાઓને જેલમાં મોકલવામાં આવશે.

AAP નેતાઓએ સભામાં દાવો કર્યો કે જનતાનો વિશ્વાસ હવે બદલાઈ રહ્યો છે અને ગુજરાતમાં પરિવર્તન લાવવાની શરૂઆત સુરતથી થશે. મોટી સંખ્યામાં ઉમટેલી જનમેદનીને જોઈ નેતાઓએ કહ્યું કે આ માત્ર એક સભા નહીં, પરંતુ આગામી રાજકીય બદલાવનો સંકેત છે.

Post a Comment

0 Comments