સુરત મહાનગરપાલિકામાં ACBનો સપાટો! ફટાકડાના લાયસન્સ માટે ₹11 હજારની લાંચ લેતા સેનેટરી ઇન્સ્પેક્ટર સહિત બે કર્મચારીઓ ઝડપાયા
સુરત: સુરત મહાનગરપાલિકાના અઠવા ઝોનમાં ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો છે. ફટાકડાના વેચાણનું લાયસન્સ મેળવવા માટે જાગૃત નાગરિક પાસે ₹11,000ની લાંચ માંગવાના અને સ્વીકારવાના કેસમાં સુરત ગ્રામ્ય ACBની ટીમે સેનેટરી ઇન્સ્પેક્ટર સહિત બે મહાનગરપાલિકાના કર્મચારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી મુજબ, ફરિયાદીએ ફટાકડાના વેચાણ માટે લાયસન્સ મેળવવા વોર્ડ નંબર 37(A), પીપલોદ અઠવા ઝોનની આરોગ્ય કચેરીમાં અરજી કરી હતી. આ લાયસન્સ આપવાની કાર્યવાહી કરવાના બદલામાં સેનેટરી ઇન્સ્પેક્ટર વિપુલકુમાર જયંતકુમાર જોશી (ઉં.વ. 56) અને સફાઈ કામદાર શૈલેષભાઈ કિશનભાઈ સોલંકી (ઉં.વ. 37) દ્વારા ફરિયાદી પાસે ₹11,000ની લાંચની માંગણી કરવામાં આવી હોવાનો આક્ષેપ છે.
ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ACB દ્વારા લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું.
આ દરમિયાન આરોપી નંબર-1 વિપુલકુમાર જોશીના કહેવાથી આરોપી નંબર-2 શૈલેષભાઈ સોલંકીએ ફરિયાદી પાસેથી ₹11,000ની લાંચની રકમ સ્વીકારી હતી. ACBની ટીમે બંને આરોપીઓને ઝડપી પાડી લાંચની સંપૂર્ણ ₹11,000ની રકમ રિકવર કરી હતી.
ઝડપાયેલા આરોપીઓ:
- વિપુલકુમાર જયંતકુમાર જોશી – સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગ-3, વોર્ડ નં. 37(A), પીપલોદ અઠવા ઝોન.
- શૈલેષભાઈ કિશનભાઈ સોલંકી – સફાઈ કામદાર વર્ગ-4, વોર્ડ નં. 37(A), પીપલોદ અઠવા ઝોન.
ACB ટ્રેપની વિગતો:
- લાંચની માંગણી: ₹11,000
- લાંચ સ્વીકારેલી રકમ: ₹11,000
- રિકવર કરેલી રકમ: ₹11,000
- બનાવની તારીખ: 02 નવેમ્બર 2026
- સ્થળ: વોર્ડ નં. 37(A), પીપલોદ આરોગ્ય કચેરી, અઠવા ઝોન, સુરત મહાનગરપાલિકા.
આ સમગ્ર ટ્રેપની કામગીરી સુરત ગ્રામ્ય ACB પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.ડી. ધોબી તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
હવે સવાલ એ છે કે સરકારી લાયસન્સ મેળવવા માટે નાગરિકોએ લાંચ આપવી પડે તો ભ્રષ્ટાચારમુક્ત વહીવટના દાવાઓનું શું?
0 Comments