સુરતમાં વાહનચાલકોને અથડાવવાનો ઢોંગ કરી મોબાઇલ ચોરી કરતી ટોળકી ઝડપાઈ |CTN Gujarat

સલાબતપુરા પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા, મોબાઇલ ચોરીના બે ગુનાઓનો ભેદ ઉકેલાયો


સુરત: શહેરમાં મોબાઇલ ચોરીના ગુનાઓને અંજામ આપતા ત્રિપુટીને સલાબતપુરા પોલીસે ઝડપી પાડ્યું છે. આરોપીઓ વાહનચાલકો સાથે અથડાવવાનો ઢોંગ રચીને તેમને વાતોમાં ઉલઝાવતા હતા અને ત્યારબાદ તકનો લાભ લઈ મોબાઇલ ફોનની ચોરી કરીને ફરાર થઈ જતા હતા. પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને સલાબતપુરા પોલીસ સ્ટેશનના મોબાઇલ ચોરીના બે ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે.

પોલીસ કમિશનર વાબાંગ જામીર અને અધિક પોલીસ કમિશનર, સેક્ટર-1 બલરામ મીણા દ્વારા શહેરમાં મોબાઇલ ચોરીના ગુનાઓ અટકાવવા માટે ક્રાઇમ હોટસ્પોટ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે નાયબ પોલીસ કમિશનર ઝોન-2 ડૉ. કાનન દેસાઈ તથા મદદનીશ પોલીસ કમિશનર 'સી' ડિવિઝન ચિરાગ વાડદોરિયાના માર્ગદર્શન હેઠળ સલાબતપુરા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

સલાબતપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ. જાડેજા અને બીજા પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી. ભીમાણીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર એસ.આઈ. મકરાણી તથા પોલીસ ટીમ ક્રાઇમ હોટસ્પોટ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન પોલીસ કર્મચારીઓને મળેલી સંયુક્ત બાતમીના આધારે ત્રણ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા.

પોલીસે આરોપીઓ પાસેથી બે અલગ-અલગ મોબાઇલ ફોન કબજે કર્યા હતા. ત્યારબાદ કરવામાં આવેલી પૂછપરછમાં આરોપીઓએ રઘુકુળ ગરનાળા પાસેથી પસાર થતા વાહનચાલકો સાથે અથડાવવાનો ઢોંગ રચીને તેમને વાતોમાં ઉલઝાવ્યા બાદ બંને મોબાઇલ ફોનની ચોરી કરી ફરાર થયાની કબૂલાત કરી હોવાનું પોલીસની પ્રેસનોટમાં જણાવાયું છે.

પકડાયેલા આરોપીઓનાં નામ:

  1. આમીર ઉર્ફે બાપુ સલીમ સૈયદ, ઉંમર 27 વર્ષ.
  2. શાહરૂખ ઉર્ફે સમીર ઉર્ફે ગોરખા શબ્બીર શેખ, ઉંમર 29 વર્ષ.
  3. તોસીફ સત્તાર ખાન, ઉંમર 38 વર્ષ.

ત્રણેય આરોપીઓ સુરતના અલગ-અલગ વિસ્તારોમાં રહેતા હોવાનું પોલીસની પ્રેસનોટમાં જણાવાયું છે. આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસની આ કાર્યવાહીના પગલે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા મોબાઇલ ચોરીના બે ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.

Post a Comment

0 Comments