સુરત શહેરમાં ૫૦ ઈલેક્ટ્રીક બસોની કામગીરી ખોરવાઈ — ડ્રાઈવરોના પગાર વિલંબને કારણે પાલ ડીપોમાં ઉભો થયેલો તંગદિલીનો માહોલ
સુરત, તા. ૧૬ ઓક્ટોબર, ૨૦૨૫ — સુરત શહેરની જાહેર પરિવહન સેવાઓમાં એક ગંભીર અવરોધ સર્જાયો છે. તા. ૧૪ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ સવારે ૬ વાગ્યાથી બપોરે ૨ વાગ્યા સુધી પાલ ડીપોથી સંચાલિત JBM Ecolife Mobility Surat Pvt. Ltd.ની અંદાજે ૫૦ ઈલેક્ટ્રીક બસોનું સંચાલન ઠપ્પ રહ્યું હતું.
આ અવરોધનું મુખ્ય કારણ ડ્રાઈવરો તરફથી પગાર વિલંબ અંગે વ્યક્ત કરાયેલ અસંતોષ હોવાનું સામે આવ્યું છે. ડ્રાઈવરો દ્વારા પગાર વિતરણમાં વિલંબના કારણે નિર્ધારિત સેવાઓનું સંચાલન ન કરવા નિર્ણય લેવાયો હતો.
આ ઘટનાથી શહેરના હજારો મુસાફરોને ભારે અસુવિધાનો સામનો કરવો પડ્યો હતો, સાથે જ અનેક રૂટ્સ પર બસ સેવાઓ રદ થવાથી સુરત સિટીલિંક લિમિટેડ અને સુરત મહાનગર પાલિકાની પ્રતિષ્ઠાને પણ આંચકો લાગ્યો છે.
આ પરિસ્થિતિને ધ્યાને લઈને સુરત સિટીલિંક લિમિટેડના જનરલ મેનેજર (ઓપરેશન એન્ડ એડમિનિસ્ટ્રેશન) દ્વારા કંપનીને શો-કોઝ નોટિસ (કારણદર્શન નોટિસ) પાઠવવામાં આવી છે.
નોટિસમાં જણાવાયું છે કે,પાલ ડીપોના ડ્રાઈવરોને પગાર વિતરણમાં થયેલા વિલંબના કારણોનું સ્પષ્ટીકરણ, કામગીરી પુનઃસ્થાપિત કરવા લેવામાં આવેલા તાત્કાલિક પગલાં, અને આવી ઘટના ફરી ન બને તે માટે અમલમાં મુકવામાં આવેલા પ્રતિબંધાત્મક ઉપાયો — એ અંગે કંપનીએ ૪૮ કલાકની અંદર લેખિત જવાબ આપવો રહેશે.
જો કંપની સંતોષકારક સ્પષ્ટીકરણ આપવા નિષ્ફળ જશે તો, માસ્ટર કન્સેશન એગ્રીમેન્ટ (તારીખ ૨૧ ઓગસ્ટ ૨૦૨૩) મુજબ દંડાત્મક કાર્યવાહી આપમેળે શરૂ કરવામાં આવશે.
નોટિસમાં વધુમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, યોગ્ય અને પુરાવાસહિત સ્પષ્ટીકરણ પ્રાપ્ત થાય ત્યાં સુધી તાત્કાલિક દંડ વિલંબિત રાખી શકાય છે, પરંતુ આવનારા સમયમાં આવી બેદરકારી ન બને તેની ખાતરી જરૂરી રહેશે.
સિટીલિંક લિમિટેડે આ નોટિસને અંતિમ તક તરીકે ગણાવી છે, અને ભવિષ્યમાં આવી કામગીરી ખોરવાય તો સીધી પ્રશાસકીય અને કરારાત્મક કાર્યવાહી હાથ ધરાશે તેવો કડક ઈશારો આપ્યો છે.
📍સુરતના જાહેર પરિવહનમાં આવી અવરોધજનક ઘટનાઓ સામે હવે પ્રશાસન વધુ કડક વલણ અપનાવશે તેવી શક્યતા છે.
રિપોર્ટ: રાહુલ સિંહ


0 Comments