સુરત : સબ-રજિસ્ટ્રાર કચેરીનો વર્ગ-3 કર્મચારી 2.50 લાખની લાંચ લેતા ACBના જાળમાં
સુરત શહેરમાં સરકારી કચેરીઓમાં ચાલતા ભ્રષ્ટાચાર સામે એન્ટી કરપ્શન બ્યુરોએ વધુ એક મોટો સપાટો બોલાવ્યો છે. અડાજણ સ્થિત સબ-રજિસ્ટ્રાર કચેરી-8માં ફરજ બજાવતા વર્ગ-3ના કર્મચારી મહેશકુમાર રણજીતસિંહ પરમારને ₹2.50 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, ફરિયાદી વ્યક્તિએ પોતાની જમીન સંબંધિત દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે અરજીઓ કરી હતી. આ પ્રક્રિયામાં જરૂરી ફાઇલ ક્લિયર કરવા માટે આરોપી કર્મચારીએ પગાર કરતાં ત્રણ ગણી વધુ રકમ, એટલે કે રૂ. 2.50 લાખની લાંચની માંગણી કરી હતી. ફરિયાદીને લાંચ માંગવાની બાબત અયોગ્ય લાગતા તેણે સીધી ACB (Anti-Corruption Bureau) નો સંપર્ક કર્યો હતો.
ACB દ્વારા માહિતીના આધારે એક સુયોજિત ટ્રેપ ગોઠવવામાં આવ્યો હતો. શનિવારના રોજ આરોપી મહેશકુમાર પરમાર લાંચની રકમ સ્વીકારતો જ રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો. તેની પાસે મળી આવેલ રકમ ACB દ્વારા જપ્ત કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી સબ-રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજી પ્રક્રિયાઓમાં વિલંબ કરી લાંચ માગવાનો રેકોર્ડ ધરાવે છે. આ ઘટના પછી ACBના અધિકારીઓએ કચેરીમાં તપાસ શરૂ કરી છે, જેથી અન્ય કોઈ અધિકારી અથવા કર્મચારી પણ ભ્રષ્ટાચારની કડીમાં સંડોવાયેલ છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવશે.
આ બનાવથી ફરી એકવાર સ્પષ્ટ થયું છે કે સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારના રાક્ષસને નાબૂદ કરવા માટે ACB સતત સક્રિય છે. સામાન્ય નાગરિકો માટે આ એક સ્પષ્ટ સંદેશ છે કે જો કોઈ સરકારી કર્મચારી લાંચની માંગણી કરે, તો ACBનો સંપર્ક કરી ન્યાય મેળવી શકાય.
રિપોર્ટ: રાહુલ સિંહ


0 Comments