સુરત શહેરમાં ગુનાખોરી સામે કડક કાર્યવાહી: વર્ષ ૨૦૨૫માં ઉધના બાદ ઉત્રાણ પોલીસ દ્વારા કુલ ૧૪૧ આરોપીઓ સામે PASA અટકાયતી પગલાં !
સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, તેમજ સામાન્ય નાગરિકોની સુરક્ષા અને શાંતિ સુનિશ્ચિત થાય તે હેતુથી વર્ષ ૨૦૨૫ દરમિયાન સુરત શહેર પોલીસ દ્વારા ગુનાખોરી સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વારંવાર ગુનાઓ કરવાની ટેવ ધરાવતા, માથાભારે તથા સમાજ માટે જોખમરૂપ બનતા આરોપીઓ સામે PASA (પ્રિવેન્શન ઑફ એન્ટી-સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ) હેઠળ અટકાયતી પગલાં લઈ પોલીસ તંત્રએ પ્રશંસનીય કામગીરી કરી છે.
ઉધના પોલીસ સ્ટેશનની વિશેષ કાર્યવાહી
મે. પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત, સ્પેશિયલ પોલીસ કમિશ્નર વાબાંગ જામીર, નાયબ પોલીસ કમિશ્નર કાનન દેસાઈ તથા મદદનીશ પોલીસ કમિશ્નર વી.એમ. જાડેજા દ્વારા ઉધના પોલીસ સ્ટેશનને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી કે વારંવાર શરીર સંબંધી, મિલકત સંબંધી ગુનાઓ, પ્રોહિબીશન, વ્યાજખોરી તેમજ સાયબર ક્રાઇમ જેવી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ઇસમો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
આ સૂચનાઓને ગંભીરતાથી લઈ ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એન. દેસાઈ તથા પોલીસ ઇન્સ્પેક્ટર જે.એસ. ઝાંબરેના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફે આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ ચકાસ્યો. સર્વેલન્સ સ્ટાફના પો.સ.ઇ. એમ.કે. ઇશરાણી, અ.હે.કો. નવઘણભાઇ બાબુભાઇ તથા અ.હે.કો. મનોજભાઇ મોતીરામ દ્વારા ગુનાહિત માનસિકતા ધરાવતા આરોપીઓ સામે PASA દરખાસ્તો તૈયાર કરવામાં આવી.
આ રીતે ઉધના પોલીસ સ્ટેશન દ્વારા વર્ષ ૨૦૨૫ દરમિયાન કુલ ૯૦ આરોપીઓ સામે PASA દરખાસ્ત કરવામાં આવી, જે તમામ દરખાસ્તોને મે. પોલીસ કમિશ્નર દ્વારા મંજૂરી આપવામાં આવી. ત્યારબાદ તમામ ૯૦ PASA હુકમોની સંપૂર્ણ બજવણી કરી આરોપીઓને ગુજરાત રાજ્યની અલગ-અલગ જેલોમાં મોકલવામાં આવ્યા. ઉધના પોલીસ સ્ટેશનની આ કાર્યવાહીથી વિસ્તારમાં ગુનાખોરી પર નોંધપાત્ર અંકુશ આવ્યો છે.
ઉત્રાણ પોલીસ સ્ટેશનની કડક કામગીરી
ઉધના બાદ ઉત્રાણ પોલીસ સ્ટેશન દ્વારા પણ વર્ષ ૨૦૨૫ દરમિયાન મહત્વપૂર્ણ અને અસરકારક કાર્યવાહી કરવામાં આવી છે. મે. પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત, સંયુક્ત પોલીસ કમિશ્નર કે.એન. ડામોર, નાયબ પોલીસ કમિશ્નર લખધીરસિંહ ઝાલા તથા મદદનીશ પોલીસ કમિશ્નર આર.આર. આહીર દ્વારા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અને વારંવાર ગુનાઓ કરવાની ટેવ ધરાવતા આરોપીઓ સામે PASA હેઠળ અટકાયતી પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી.
આ માર્ગદર્શન અનુસાર ઉત્રાણ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર ડી.યુ. બારડ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એન.જી. પટેલ દ્વારા શરીર સંબંધી, મિલકત સંબંધી, પ્રોહિબીશન તથા મહિલાઓ સાથે છેડતી જેવા ગુનાઓમાં સંડોવાયેલા ઇસમોની વિગતવાર તપાસ કરાવવામાં આવી.
સર્વેલન્સ સ્ટાફના પો.સ.ઇ. આર.ડી. ધાધલના સંકલનમાં અ.પો.કો. ભગીરથસિંહ હનુભાઇ દ્વારા કુલ ૫૧ PASA દરખાસ્તો તૈયાર કરી મે. પોલીસ કમિશ્નર સમક્ષ મોકલવામાં આવી. મંજૂરી મળતા આ તમામ ૫૧ આરોપીઓને અટકાયતમાં લઈ રાજ્યની અલગ-અલગ જેલોમાં મોકલવામાં આવ્યા.
ગુનાખોરી સામે કડક સંદેશ
ઉધના અને ઉત્રાણ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી કુલ ૧૪૧ PASA અટકાયતી કાર્યવાહી સુરત શહેરમાં ગુનાખોરી સામે કડક સંદેશ આપે છે. પોલીસ તંત્રની આ સખત અને આયોજનબદ્ધ કામગીરીના કારણે શહેરમાં કાયદો-વ્યવસ્થા વધુ મજબૂત બની છે અને સામાન્ય નાગરિકોમાં સુરક્ષાની ભાવના વધતી જોવા મળી રહી છે.


0 Comments