ACB Trap in Surat: Fire NOC Bribe Scam Exposed | સુરત મહાનગરપાલિકાના ફાયર અધિકારી લાંચ કેસ-CTN Gujarat

ACB ની મોટી કાર્યવાહી: સુરત મહાનગરપાલિકાના ફાયર અધિકારી લાંચ લેતા રંગે હાથ ઝડપાયા.

ACB trape in surat
CTN Gujarat 

સુરત: રાજ્યમાં ભ્રષ્ટાચાર સામે સતત કડક વલણ અપનાવતી એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ ફરી એક વખત અસરકારક કાર્યવાહી કરીને લાંચિયા અધિકારીને રંગે હાથ પકડી પાડ્યો છે. સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં ફરજ બજાવતા એક વરિષ્ઠ અધિકારીને રૂ. 1 લાખની લાંચ સ્વીકારતા ઝડપવામાં આવતા સમગ્ર પ્રશાસનમાં હલચલ મચી ગઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, આરોપી ઇશ્વરભાઇ મગનભાઇ પટેલ (ઉંમર 48 વર્ષ) હાલ ડીવીઝનલ ફાયર ઓફિસર તથા ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર તરીકે ઉધના ઝોન-એ/બી તથા લીંબાયત ઝોનમાં ફરજ પર હતા. તેઓ સુરત મહાનગરપાલિકા હેઠળ વર્ગ-3ના અધિકારી તરીકે કાર્યરત છે.

આ સમગ્ર ઘટના તા. 24/12/2025ના રોજ બની હતી. ગુનાનું સ્થળ મુગલીસરાઇ ફાયર સ્ટેશન, પહેલો માળ, ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસ, ચોકબજાર, સુરત તરીકે નોંધાયું છે. ફરીયાદી એક જાગૃત નાગરિક છે, જેમણે પોતાની હોટલ માટે ફાયર સેફ્ટીની NOC (નૉ ઓબ્જેક્શન સર્ટિફિકેટ) મેળવવા માટે અરજી કરી હતી.
ફરીયાદી દ્વારા કરવામાં આવેલી અરજીની કાર્યવાહી પૂર્ણ કરીને ફાયર સેફ્ટીનું સર્ટિફિકેટ આપવાના બદલે આરોપીએ રૂ. 1,00,000/-ની લાંચની માંગણી કરી હતી. લાંચ આપવાની ઇચ્છા ન હોવાથી ફરીયાદીએ એ.સી.બી.નો સંપર્ક કર્યો અને સમગ્ર મામલે સત્તાવાર ફરીયાદ નોંધાવી.

ફરીયાદના આધારે એ.સી.બી. દ્વારા પૂર્વ આયોજન મુજબ લાંચના ટ્રેપની વ્યવસ્થા ગોઠવવામાં આવી. ટ્રેપ દરમિયાન ફરીયાદી જ્યારે આરોપીને મળ્યા ત્યારે આરોપીએ હેતુલક્ષી વાતચીત કરી અને રૂ. 1 લાખની લાંચની રકમ સ્વીકારી. લાંચ સ્વીકારતા જ એ.સી.બી.ની ટીમે આરોપીને સ્થળ પર જ રંગે હાથ ઝડપી લીધો. તપાસ દરમિયાન લાંચની માંગણી, સ્વીકાર અને રીકવરી ત્રણેય બાબતોની પુષ્ટિ થઈ, અને સંપૂર્ણ રકમ રૂ. 1,00,000/- કબ્જે કરવામાં આવી.

આ સફળ ટ્રેપમાં ટ્રેપિંગ અધિકારી તરીકે શ્રી બી.ડી. રાઠવા, પોલીસ ઇન્સ્પેક્ટર, નવસારી એ.સી.બી. પોલીસ સ્ટેશન તથા તેમની ટીમે મહત્વની ભૂમિકા ભજવી. સમગ્ર કાર્યવાહી પર શ્રી આર.આર. ચૌધરી, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ દ્વારા સુપરવિઝન કરવામાં આવ્યું હતું. ઉપરાંત, વડોદરા રેન્જના નાયબ નિયામક શ્રી બળદેવ દેસાઇ IPS, ઇન્ચાર્જ અધિકારી તરીકે સમગ્ર કેસની દેખરેખ રાખી રહ્યા છે.

આ ઘટનાએ ફરી એક વખત સાબિત કર્યું છે કે જાહેર સેવાઓમાં લાંચ લેતા અધિકારીઓ સામે કાયદાનો હાથ લાંબો છે. એ.સી.બી.ની આ કાર્યવાહી ભ્રષ્ટાચાર સામે લડતમાં એક મજબૂત સંદેશ આપે છે કે જાગૃત નાગરિકોની મદદથી કોઈપણ ભ્રષ્ટ અધિકારી બચી શકતો નથી.


Post a Comment

0 Comments