પુણા પુરવઠા કચેરીની લાચાર વ્યવસ્થાથી નાગરિકો પરેશાન: ‘આપ’ કોર્પોરેટર વિપુલ સુહાગીયાની કલેક્ટરને રજુઆત
સુરત: પુણા વિસ્તારમાં આવેલી અનાજ અને પુરવઠા કચેરીમાં રાશનકાર્ડના KYC માટે દૈનિક લાંબી લાઇનો લાગે છે અને નાગરિકો ધક્કા ખાવા મજબુર બન્યા છે. આજ સમસ્યાઓ અંગે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિપુલભાઈ સુહાગીયાએ સુરત કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે અને તાકીદે પગલાં લેવા માંગ કરી છે.
માત્ર ૪ કર્મચારીઓથી કામ ચાલે છે, તેમાંય બે RTI કામગીરીમાં વ્યસ્ત
પુણા કચેરી સમગ્ર પુણા વિસ્તારને આવરી લે છે, જ્યાં અંદાજે ૧૦ લાખથી વધુ વસ્તી વસે છે. છતાં અહીં માત્ર ચાર કર્મચારીઓ કામ કરી રહ્યા છે, જેમાંથી બે RTI કામગીરીમાં રહે છે. પરિણામે કચેરીના કામકાજમાં ભારે વિલંબ થાય છે. લોકો સવારે પ વાગ્યાથી લાઇનમાં ઊભા રહે છે, છતાં સમયસર કામ થતું નથી.
સર્વર ડાઉનથી કામગીરી ધીમી, લોકો Agent શરણે
અવારનવાર Server Down રહેવાના કારણે નાગરિકોને એક જ કામ માટે અનેક વખત ધક્કા ખાવા પડે છે. આવી સ્થિતિમાં કેટલાંક નાગરિકો ટાઉટ પ્રથાનો આશરો લેવા મજબૂર થાય છે અને તેમને જાહેર સેવાઓ માટે અનાવશ્યક નાણાં ચૂકવવા પડે છે.
કચેરીની ઈમારત જર્જરિત, બેસવાની વ્યવસ્થા પણ નથી
વિપુલભાઈ સુહાગીયાની મુલાકાત દરમ્યાન જાણવા મળ્યું કે કચેરીની હાલની ઈમારત અત્યંત જર્જરિત છે. નાગરિકો તેમજ સ્ટાફ માટે બેસવાની પાયા જેવી પણ સુવિધા નથી. રેકોર્ડ અને અરજીઓ ખુલ્લામાં રાખવાની ફરજ પડે છે, જેના કારણે દસ્તાવેજોના નુકશાનની ભીતી પણ છે.
નવી બિલ્ડીંગ અથવા કચેરીનું સ્થળાંતર જરૂરી: સુહાગીયા
આ તમામ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિપુલભાઈ સુહાગીયાએ કલેક્ટરને જણાવ્યું કે કચેરી માટે બહુમાળી નવી બિલ્ડીંગનું નિર્માણ કરવું અથવા કચેરીને વધુ વ્યવસ્થિત સ્થળે ખસેડવી જરૂરી છે. તેમજ વસ્તી અનુસાર પુરતો સ્ટાફ ફાળવવો અને સર્વર ડાઉન સમસ્યાનું કાયમી ઉકેલ લાવવો અનિવાર્ય છે.
તાત્કાલિક પગલાં લેવા સુહાગીયાની માંગ
અંતમાં, વિપુલભાઈ સુહાગીયાએ કલેક્ટરને તાકીદ કરી છે કે વસ્તી પ્રમાણે સ્ટાફની ઊણપ દૂર કરવામાં આવે, બિનજરૂરી કામગીરીના ભારમાંથી કર્મચારીઓને મુક્ત કરવામાં આવે અને સર્વર સમસ્યાનું ટકી રહે તેવું સમાધાન લાવવામાં આવે, જેથી નાગરિકોને તાત્કાલિક અને સુગમ સેવાઓ ઉપલબ્ધ બની શકે.
રિપોર્ટ: રાહુલ સિંહ
0 Comments